અમદાવાદ: શહેરના જુદા-જુદા વિસ્તારમાં વાહનચોરીના અનેક બનાવ બની રહ્યા છે. ખાસ કરીને સોલા, વસ્ત્રાપુર, સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં વધુ વાહનચોરી થાય છે. તસ્કરો સામાન્ય માણસના વાહનની ચોરી કરે જ છે પણ હવે પોલીસકર્મીઓનાં વાહનની પણ ચોરી કરતાં તેઓ અચકાતા નથી. સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઘાટલોડિયા પોલીસ લાઇનમાં એકસાથે બે બાઈક ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ છે.
જા પોલીસના જ વાહનો સલામત ના હોય તો, સામાન્ય માણસોના વાહનોની સલામતી કેટલી તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. બીજીબાજુ, આ સમગ્ર બનાવ અંગે સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાણક્યપુરીબ્રિજ પાસે ઘાટલોડિયા પોલીસ લાઇન (ચાણક્યપુરી પોલીસ લાઈન) આવેલી છે. આ પોલીસ લાઈનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેશભાઇ પટેલ પરિવાર સાથે રહે છે.
ગુરુવારે રાતે શૈલેશભાઇ પટેલે તેમનું સ્પ્લેન્ડર બાઈક તેમના બ્લોક નંબર એ-૩૩ પાસે મૂક્યું હતું. વહેલી સવારે તેઓ નોકરીએ જવા માટે બાઈક લેવા ગયા ત્યારે બાઈક ગાયબ જોવા મળ્યું હતું. બાઈક ચોરી થયા અંગેની જાણ થતાં પોલીસ લાઈનના સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. દરમ્યાનમાં ઈ બ્લોકમાં રહેતા પ્રવીણભાઈ તુલસીભાઈનું પેશન-પ્રો બાઈક પણ ગાયબ જણાયું હતું. મોડી રાતે તસ્કરોએ પોલીસ લાઈનમાં પડેલા બે બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે શૈલેશભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અજાણયા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જા કે, પોલીસ કર્મચારીઓના બાઇક જ ચોરી થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.