શ્રીનગર : જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ, પાકિસ્તાન અને અલગતાવાદીઓને કાશ્મીરમાં હિંસા માટે જવાબદાર ઠેરવીને આજે આકરા પ્રહાર કર્યા હતા. જા કે તેઓએ ભારત અને પીડીપી ઉપર પોતાનું વલણ નરમ રાખ્યું હતું. મલિકે વર્તમાન નરેન્દ્ર મોદી અને અગાઉની વાજપેયી સરકારને બાદ કરતા અગાઉની તમામ કેન્દ્ર સરકારો ઉપર પણ કાશ્મીરના વિવાદમાં ભૂમિકા ભજવવાનો આક્ષેપ કર્યો હતો. મલિકે કહ્યું હતું કે, સ્વર્ગસ્થ મુફ્તી મોહમ્મદ સઇદ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પીડીપીને છોડીને બાકી તમામ કાશ્મીરી મુખ્ય પ્રવાહની પાર્ટીઓએ કાશ્મીરી લોકોમાં ખોટી અપેક્ષાઓ જગાવી છે.
તમામ નેતાઓએ દિલ્હીમાં બીજી વાત કરી હતી અને અહીં એરપોર્ટ ઉપર ઉતરતાની સાથે જ બીજી વાત કરી હતી જેના પરિણામ સ્વરુપે લોકોના મનમાં શંકા ઉભી થઇ હતી. કાશ્મીરી યુવાનો ગેરમાર્ગે દોરાયા હતા. રાજ્યપાલે ફારુક અબ્દુલ્લા અને ઉંમર અબ્દુલ્લા ઉપર પરોક્ષ પ્રહારો કર્યા હતા. આ બંનેએ લાંબા સમય સુધી રાજ્યમાં સરકારો ચલાવી છે. ઘણી વખત કોંગ્રેસની સાથે મળીને પણ સરકાર ચલાવી છે. મલિકે કહ્યું હતું કે, કેન્દ્રની સરાકરો જમ્મુ કાશ્મીરની ચૂંટણીને ચોક્કસપણે અસર કરે છે.
સ્થાનિક સ્તર પર ઉમેદવારોની પાર્ટી બદલાવીને સરકાર બનાવવામાં આવે છે. નવા રાજકીય સમીકરણોની તેઓ ઇચ્છા રાખે છે. રાજ્યપાલે હુર્રિયતના નેતાઓ અને પાકિસ્તાન પર યુવા કાશ્મીરી લોકોને હિંસા ભડકાવવા માટે પ્રેરિત કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ જાળવી રાખવા માટે સૌથી મોટા ખેલાડી તરીકે છે. આતંકવાદ કેટલાક કાશ્મીરી યુવાનો માટે પાર્ટ ટાઇમ જાબ તરીકે છે. માત્ર ૫૦૦ રૂપિયા મેળવવા માટે એક કાશ્મીરી યુવા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરે છે જે ખુબ જ શરમજનક બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે એક ડઝનથી વધુ દેશોના સમર્થન બાદ પણ એલટીટીઈને શ્રીલંકામાં તેના ઉદ્દેશ્યોને હાસલ કરવામાં સફળતા મળી ન હતી ત્યારે સેંકડો ત્રાસવાદીઓ કાશ્મીરમાં તેમનો ઉદ્દેશ્ય કઇરીતે હાંસલ કરી શકે છે. અહીંના લોકો આતંક અને હથિયારોની ગંભીરતા સમજીને તેમાંથી બહાર આવે તે જરૂરી છે.
પોતાના લોકોને સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે. આતંકી હુમલાઓની ધમકી વચ્ચે ચૂંટણી યોજવાને લઇને તેમણે કહ્યું હતું કે, શ્રીનગર-બડગામમાં માત્ર સાત ટકા વોટિંગ સાથે મતદાન થઇ શકે છે તો સ્થાનિક ચૂંટણી કેમ થઇ શકે નહીં. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ચૂંટણીમાં હિસ્સા ન લેવાની પાછળ તેઓએ વિધાનસભાની ચૂંટણી માટે કારણ આપ્યું હતું. સેના ત્રાસવાદીઓથી સ્થાનિક લોકોને બચાવવા તમામ પ્રયાસો કરી રહી છે.