અમદાવાદ :સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ અનેક શહેરમાં પરપ્રાંતીય પર હુમલાનાં બનાવો વધી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ ફેલાવાઇ રહ્યા છે, જેના પગલે પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ચાંગોદર જીઆઇડીસીમાંથી પરપ્રાંતીય મજૂરોને કાઢી મૂકવાનો એક ખોટો વીડિયો વાયરલ કરાતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. જા કે, સમગ્ર તપાસના અંતે પોલીસે આ વીડિયો ખોટો હોવાની સ્પષ્ટતા કરી હતી.
પોલીસે કોમી વૈમનસ્ય ફેલાવતાં આવા તત્વોથી સાવધ રહેવા અપીલ પણ કરી હતી. ગઇકાલે ખુદ રાજયના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પરપ્રાંતીય મજૂરો પર હુમલા કે ઉત્પીડનની કોઇ નિંદનીય ઘટના સાંખી નહી લેવાય તેવી સ્પષ્ટ ખાતરી અપાઇ હતી પરંતુ તેમછતાં હજુ પણ પરપ્રાંતીય વર્ગમાં ડર અને ફફડાટની લાગણી ફેલાયેલી છે. અમદાવાદ જિલ્લાની મોટાભાગની જીઆઇડીસી અને ફેકટરીઓમાં પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. આ મજૂરોને નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે આવેદનપત્ર અને રજૂઆતનો મેસેજ ગઇકાલે સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસ દોડતી થઇ હતી. ચાંગોદર જીઆઇડીસીમાં આવેલ ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને હાંકી કાઢવા બાબતે ઠાકોર સમાજ દ્વારા ફેકટરી માલિકોને રજૂઆત કરવા અને મિટિંગ અંગેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેના પગલે ચાંગોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ચાંગોદર પોલીસ સ્ટેશનનાં પીઆઇ વી.એ. ચારણે જણાવ્યું હતું કે ચાંગોદર જીઆઇડીસીમાં રજૂઆત અંગેનો મેસેજ વાઇરલ થયો હતો. મેસેજમાં જે વ્યક્તિનું નામ હતું તે યુવક સામેથી પોલીસ સ્ટેશને આવ્યો હતો અને તેના નામ અંગેનો મેસેજ ખોટો છે તેમ જણાવ્યું હતું. આવો કોઇ મેસેજ તેમણે મોકલ્યો નથી અને અમે કોઇ રજૂઆત કરવા જવાના નથી તેમ જણાવ્યું હતું. કોઇ અજાણી વ્યક્તિએ તેના નામનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
ચાંગોદર જીઆઇડીસીમાં ફેકટરી માલિકો અને ઠાકોર સમાજના આગેવાનો સાથે પોલીસે મિટિંગ પણ કરી હતી. ફેકટરીમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ છે. પોલીસે કોમી વૈમનસ્ય ફેલાવતાં આવા તત્વોથી સાવધ રહેવા અને ગેરમાર્ગે નહી દોરવાવા અપીલ પણ કરી હતી.