લખનૌ: બહુજન સમાજ પાર્ટી બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો આપ્યો હતો. સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરતા કહ્યું છે કે તે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સાથે રહેશે નહીં. આ અંગેની જાહેરાત કરાતા કોંગ્રેસને વધુ એક પીછેહટનો સામનો કરવો પડ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરવાને લઈને ક્યારે જાણ કરવામાં આવશે તેને લઈને કોંગ્રેસ પાર્ટીનો ઈન્તજાર કરવા અમારી પાસે હવે સમય નથી. અખિલેશે કહ્યું હતું કે અમે સાથે મળીને ચૂંટણી લડવા માટે બહુજન સમાજ પાર્ટી સાથે વાતચીત કરીશું. સમાજવાદી પાર્ટીની આ જાહેરાતને કોંગ્રેસ માટે મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. સપા અને બસપા લોકસભાની ચૂંટણીને લઈને ખૂબ જ સુસજ્જ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ બુધવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મરણતોડ ફટકો આપી દીધો હતો. માયાવતીએ સાફ શબ્દોમાં જાહેરાત કરી હતી કે, આ બંને રાજ્યોમાં કોંગ્રેસની સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન કરવામાં આવશે નહીં. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. માયાવતીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માયાવતીએ ભાજપને હરાવવા માટેના કોંગ્રેસના ઇરાદાને લઇને પણ પ્રશ્નો કર્યા હતા.
બુધવારના દિવસે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માયાવતીએ કહ્યું હતું કે, દિÂગ્વજયસિંહ જેવા કોંગ્રેસના નેતાઓ ઇચ્છતા નથી કે, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે કોઇપણ પ્રકારના ગઠબંધન થાય. માયાવતીએ કહ્યું હતું કે, તેઓ નક્કરપણે માને છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કોંગ્રેસ અને બસપ માટેના ગઠબંધનના ઇરાદા બિલકુલ ઇમાનદારીપૂર્વકના રહ્યા છે પરંતુ કોંગ્રેસી નેતાઓ તેમના ઇરાદા ઉપર પાણી ફેરવી રહ્યા છે. પાર્ટી હેડક્વાર્ટર પર પત્રકારો સાથે વાતચીત કરતા અખિલેશે કહ્યું હતું કે કોંગ્રેસને બહુત ઈન્તજાર કરાયા, કબ તક ઇન્તજાર કરે. તારીખ ઘોષિત હોને જા રહી હૈ અબ તો, ઇસલિએ અબ ઇન્તજાર નહીં હોગા. અખિલેશે કહ્યું હતું કે અમે અમારી પાર્ટીને ખતમ કરવા ઈચ્છુક નથી.