નવા વર્ષની શરૂઆતમાં જ દેશનો મોટાભાગ ઠંડીના પ્રભાવ હેઠળ આવી ગયો છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે પ્રમાણમાં બરફ વર્ષા ચાલુ છે, તેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ કારણોસર વિમાન સહિત વાહન વ્યવહાર પર ખૂબ જ અસર વર્તાઇ રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કાશ્મીર પૂર્ણ રીતે ઠંડીના પ્રભાવ હેઠળ છે, જ્યાં ઠંડીનો પારો માઇનસમાં આવી ગયો છે.
પહાડી વિસ્તારમાં ભારે બરફ વર્ષાને કારણે મેદાની વિસ્તાર જેવા કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર દેખાઇ રહી છે. આ કારણોસર અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે, જેથી હજારો લોકો પ્રભાવિત થયા છે. દિલ્હીમાં ઠંડીનો પારો ગગડીને ૫ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારમાં થયેલી બરફ વર્ષાની અસર વધુ અસરકારક બની છે, જેના પર ચિલ્લાઇ ક્લાનની અસર દેખાઇ રહી છે. ઉત્તર પ્રદેશમાં સોમવાર સુધી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ બરફ વર્ષાના કારણે ગુજરાત, મધ્ય પ્રદેશ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોમાં શીતલહેરની અસર ચાલુ રહેશે, જેથી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં ઘટાડાની અસર ૧૦ જાન્યુઆરીથી જોવા મળશે.