અજમેર:વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અજમેરમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂક્યું હતું. રેલી દરમિયાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજસ્થાન આ વખતે પોતાની પરંપરા બદલશે અને ફરી એકવાર ભાજપને તક આપશે. રાજસ્થાનમાં એવી પરંપરા રહી છે કે એક વખતે ભાજપ અને એક વખતે કોંગ્રેસને જીત પ્રજા આપે છે. પરંતુ આ વખતે રાજસ્થાનના લોકો આ પરંપરાને તોડી નાખશે.
મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને કોઈપણ સંજોગોમાં તક આપવી યોગ્ય રહેશે નહીં. પ્રચાર દરમિયાન મોદીએ ત્રિપલ તલાક અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા સંવેદનશીલ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે અમે ખોટુ બોલવાની ટેવ ધરાવતા નથી. કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એકબાજુ વોટબેંકની રાજનીતિ છે તો બીજી બાજુ સબકા સાથ સબકા વિકાસની બાબત રહેલી છે. વોટબેંકની રાજનીતિ વાળા હિન્દુ-મુસ્લિમ, અન્ય જાતિઓ, અમીર-ગરીબ વચ્ચે ખેંચતાણ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના લોકોની સાવધાન રહેવાની જરૂર છે. તોડવાની બાબત સરળ છે પરંતુ જોડવા માટે વર્ષો લાગી જાય છે. અમે જાડવાવાળા લોકો છીએ. વોટબેંકની રાજનીતિ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી બલ્કે સમગ્ર વ્યવસ્થાને ખરાબ કરી નાખે છે. મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો એક જ પરિવારની પરિક્રમા કરીને પોતાની રાજનીતિ ચમકાવવાના પ્રયાસમાં લાગેલા રહે છે. ૬૦ વર્ષ બાદ દેશમાં મુશ્કીલથી વિકાસની ગતિ હાથમાં આવી છે પરંતુ હવે કોંગ્રેસ સહિતના વિરોધીઓને ફરી તક મળવી જાઈએ નહીં. મોદીએ ઉમેર્યું હતું કે તેઓ જાહેર રીતે કહી ચુક્યા છે કે લોકશાહીમાં દેશના લોકો માટે કલ્યાણ ઈચ્છતા લોકો તમામ મુદ્દા ઉઠાવે. વિરોધી પક્ષ પણ હોવા જાઈએ પરંતુ જે લોકો ૬૦ વર્ષની સરકારમાં નિષ્ફળ રહ્યા હતા તે લોકો વિપક્ષમાં પણ ફ્લોપ રહ્યા છે. પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા તેણમે કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક તેમના જવાનોનું અભૂતપૂર્વ પરાક્રમ હતું. દરેક હિન્દુસ્તાની વ્યક્તિ આના ઉપર ગર્વ કરે છે પરંતુ કોંગ્રેસ પાર્ટી રાજનીતિમાં ખૂબ નીચલા સ્તર પર પહોંચી ચુકી છે.
કોંગ્રેસના લોકો આને પણ અપમાનિત કરવાના પ્રયાસ કરે છે. મોદીએ ઉમેર્યું હતું કે જે પરિવારોમાં વીજળી પહોંચી નથી ત્યાં રાજસ્થાન સરકાર વીજળી પહોંચાડવા મહેનત કરી રહી છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ સુધી કોઈપણ વ્યક્તિ ૧૮મી સદીમાં રહેવા માટે મજબુર રહેશે નહીં. રાજસ્થાન પ્રવાસની દ્રષ્ટીએ ભારતના પાટનગર તરીકે છે. દેશ અને દુનિયાના પ્રવાસી અહીં પહોંચે છે. બીજી ખાસ બાબત અહીંના લોકો દ્વારા આદર સમ્માનની ભાવના છે. ખેડૂતોના એમએસપી દોઢ ગણા કરી ચુક્યા છીએ.
સરકારમાં ૩૦ ટકાથી વધુ મહિલાઓ કામ કરી રહી છે. શિક્ષણ અને આરોગ્યના આ સંખ્યા આનાથી પણ વધારે છે. અમારી સરકારે મહિલાઓ માટે ડિલિવરીની રજા ૨૬ સપ્તાહ કરી દીધી છે. આ રજા પગારની સાથે રહેશે. મુસ્લિમ મહિલાઓ માટે તેમના રક્ષણ માટે ત્રિપલ તલાક બિલ લાવવામાં આવ્યું છે.