નવી દિલ્હી : ચીન સરહદ પર હમેંશા ઉશ્કેરણીજનક કૃત્ય કરતુ રહે છે. વારંવાર જટિલ સ્થિતી તેના દ્વારા સર્જવામાં આવે છે. ડોકલામ વિવાદનો હજુ સંપૂર્ણરીતે ઉકેલ આવ્યો નથી ત્યારે ચીની સેનાએ હવે ભુટાનની જમીન સ્થિત ડોકલામના એક હિસ્સામાં બનેલા માર્ગોને વધુ પહોળા કરવામાં અને તેને અપગ્રેડ કરવામાં ચીની સૈનિકો લાગેલા છે. વ્યુહાત્મક દ્રષ્ટિથી ખુબ ઉપયોગી ગણાતા અને ભારત માટે ચિકન નેક ગણાતા સિલિગુડી કોરિડોરની પાસે જમ્ફેરી રિજની તરફથી માર્ગોને ફેલાવવાનુ કામ ચાલી રહ્યુ છે. ભારતીય સેનાએ જુન મહિનામાં આનો વિરોધ કર્યો હતો.
અલબત્ત ભારતે હવે ચીન દ્વારા નવેસરથી માર્ગ નિર્માણની ગતિવિધીનો વિરોધ કર્યો નથી. કારણ કે આ ક્ષેત્ર એ ક્ષેત્રથી ૧૦ કિલોમીટરના અંતરે સ્થિત છે જ્યા થોડાક દિવસ પહેલા ભારત અને ચીનની સેના સામ સામે આવી ગઇ હતી. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે પીપલ્સ લિબરેશન આર્મી જે બુઝડોઝર અને નિર્માણ સામગ્રી ડોકલામમાં વિવાદાસ્પદ સ્થળે લાવી હતી તેનાથી હવે માર્ગને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે.
આ પ્રવૃતિ હજુ જારી રહે તેવી શક્યતા છે. ડોકલામના વિવાદાસ્પદ સ્થાનથી ૧૦ કિલોમીટરના અંતરે સ્થિત ઉત્તર અને પૂર્વમાં સ્થિત આ માર્ગને ચીન મબજુત કરવામાં વ્યસ્ત છે. ડોકલામમાં પોતાના દાવાને મજબુત કરવાના હેતુથી આ ગતિવિધી ચાલી રહી છે. પીએલએ આ માર્ગ પર છેલ્લા કેટલાક વર્ષોથી અંકુશ ધરાવે છે. તેના સૈનિકો ત્યાં નિયમિત રીતે પેટ્રોલિંગ કરતા રહે છે. ભારત ચીનના કૃત્યોના કારણે હવે તેની ગતિવિધી પર છેલ્લા કેટલાક સમયથી સતત નજર રાખે છે.