અમદાવાદ: બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના મર્જરના લેવાયેલા નિર્ણય બાદ હવે નજીકના ભવિષ્યમાં અમદાવાદ સહિત રાજ્યભરની અંદાજે ૫૦૦ જેટલી આ બેન્કોની શાખાઓ બંધ કરવામાં આવશે. ત્રણેય બેન્કના થઈને કુલ ૮પ હજાર કર્મચારીઓ છે. તેથી આગામી સમયમાં બેન્ક કર્મચારીઓની રોજગારી ઉપર પણ અસર પડશે એટલું જ નહીં, પણ ગ્રામ્ય વિસ્તારની બેન્કિંગ સેવાઓ ઉપર પણ તેની અસર પડશે. આજે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના એમ.ડી.ની બેઠક મળી હતી, જેમાં એક સબ કમિટીની રચના કરવાની વિચારણા હાથ ધરી આ અંગે નિર્ણય લેવાયો હતો.
આ કમિટી બેન્ક મર્જરની મોડાલિટી નક્કી કરશે અને ત્યારબાદ આ રિપોર્ટ સરકારમાં રજૂ થશે, જે સંસદમાં પણ રજૂ કરવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ તા.૧ એપ્રિલ, ર૦૧૯થી નવી બેન્ક અસ્તિત્વમાં આવશે ત્યાં સુધીમાં ત્રણેય બેન્કોના મર્જરની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. હાલમાં બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક શાખાઓ દ્વારા એમએસએમઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બેન્કિંગ સેવાઓ આપવામાં આવે છે.
ગુજરાત બેન્કર્સ વર્કર્સ યુનિયનના ગુજરાતના સેક્રેટરી કે.પી. અંતાણીએ જણાવ્યું હતું કે હાલમાં મર્જરની તમામ પ્રક્રિયા પ્રારંભિક તબક્કે હોઈ ક્યાં કેટલી બ્રાન્ચ બંધ કરવામાં આવશે તે નક્કી થઈ શકે તેમ નથી, પરંતુ યુનિયન ત્રણેય બેન્કના મર્જરનો વિરોધ કરે છે, કારણ કે તેના કારણે ગામડાની બેન્કિંગ સેવાઓ વધુ અસર પામશે. બેંકિગ ક્ષેત્રનું આ બીજું સૌથી મોટું મર્જર હશે. આ નવી બેન્ક નવા વર્ષમાં તા.૧ એપ્રિલથી કામ કરવા લાગશે એવો નિર્ણય લેવાયો છે. આ ત્રણેય બેન્કોના મર્જર બાદ બનેલી નવી બેન્ક દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક હશે બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરથી ગ્રાહકો માટે સેવાનો વ્યાપ વધશે. દક્ષિણ ભારતમાં વિજયા બેન્કની મજબૂત પકડ છે જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બેન્ક ઓફ બરોડાનું સારું નેટવર્ક છે. આ સંજોગોમાં ત્રણેય બેન્કોના ગ્રાહકોને આખા ભારતમાં સરળતાથી સેવા મળી શકશે.
બેન્ક ઓફ બરોડાનું વિદેશમાં મોટું નેટવર્ક છે. બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ ઘાના, ન્યૂઝીલેન્ડ, બોટ્સવાના, યુકે, ન્યૂયોર્ક, કેન્યા, સાઉદી અરબ, યુગાન્ડા, સિડની અને બ્રસેલ્સ સહિત અનેક દેશોમાં છે. મર્જર પછી બેન્ક પાસે દેશ-વિદેશમાં કુલ ૯,૮પ બ્રાન્ચ ખૂલી જશે. જા કે, હજારો કર્મચારીઓની રોજગારી અને અન્ય પાસાઓને લઇને પણ ઘેરી અસર પડશે તે નક્કી છે.