લખનૌ: વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષી એકતા ધરાશાયી થઇ ગઇ છે. બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો આપીને તેની સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોઇ ગઠબંધન કરવાનો સાફ ઇન્કાર કરી ચુકી છે. એવા સંકેત પણ મળી રહ્યા છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ કોંગ્રેસ પાર્ટીના હાથને છોડી શકે છે. કારણ કે અખિલેશ પહેલાથી જ કોંગ્રેસને ચેતવણી આપી ચુક્યા છે. આગામી દિવસોમાં તેમની રણનિતી કેવી રહેશે તે બાબત ઉપયોગી સાબિત થશે. રાજકીય પાર્ટીઓ હાલમાં લોકસભાની ચૂંટણીને લઇને પોત પોતાની રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત છે. સમાજવાદી પાર્ટીની ભૂમિકા લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ખુ મહત્વપૂર્ણ રહી શકે છે. બસપ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ કહી ચુક્યા છે કે કોંગ્રેસને સમય ખરાબ કર્યા વગર આગળ વધવાની જરૂર છે.
કોંગ્રેસને ઉદાર દિલ સાથે ગઠબંધન કરવાના પ્રયાસો કરવા જાઇએ. ભાજપને સત્તાથી દુર રાખવા માટે ઉદાર મન સાથે આગળ વધવા અખિલેશે કહ્યુ હતુ. યાદવે એમ પણ કોંગ્રેસને કહ્યુ હતુ કે અન્ય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદ કોઇ પણ સમસ્યાનો નિરાકરણ થઇ શકશે નહીં.બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ગઇકાલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મરણતોળ ફટકો આપી દીધો હતો. માયાવતીએ સાફ શબ્દોમાં જાહેરાત કરી હતી કે, આ બંને રાજ્યોમાં કોંગ્રેસની સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન કરવામાં આવશે નહીં. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માયાવતીએ ભાજપને હરાવવા માટેના કોંગ્રેસના ઇરાદાને લઇને પણ પ્રશ્નો કર્યા હતા.માયાવતીએ કહ્યું હતું કે, તેઓ નક્કરપણે માને છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કોંગ્રેસ અને બસપ માટેના ગઠબંધનના ઇરાદા બિલકુલ ઇમાનદારીપૂર્વકના રહ્યા છે પરંતુ કોંગ્રેસી નેતાઓ તેમના ઇરાદા ઉપર પાણી ફેરવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું હતું કે, આ પાર્ટી હવે ખુબ જ જિદ્દી વલણ ધરાવે છે. તેને લાગે છે કે, તે એકલા હાથે ભાજપને હરાવી શકે છે.
હકીકતમાં કોંગ્રેસ પાર્ટીથી દેશના લોકો ખુબ જ નાખુશ છે. ભાજપ સાથે મોટાભાગના લોકો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો દેશભરમાં સંપૂર્ણપણે સફાયો થઇ ચુક્યો છે છતાં તેને લાગે છે તે એકલા હાથે ભાજપને હરાવી શકે છે. કોંગ્રેસ પાર્ટીની સાથે જવા માટે ક્ષેત્રીય પક્ષો ખચકાટ અનુભવ કરી રહ્યા છે. આના દાખલા હવે સપાટી પર આવી રહ્યા છે. માયાવતીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. જ્યારે બીજી બાજુ ભાજપને રાહત થઇ છે. કોંગ્રેસ પાર્ટી વિપક્ષી એકતા માટેના પ્રયાસ કરી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષી એકતા ધરાશાયી થઇ ગઇ છે.