નવીદિલ્હી: બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મરણતોડ ફટકો આપી દીધો હતો. માયાવતીએ આજે સાફ શબ્દોમાં જાહેરાત કરી હતી કે, આ બંને રાજ્યોમાં કોંગ્રેસની સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન કરવામાં આવશે નહીં. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
માયાવતીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આજે આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. માયાવતીએ ભાજપને હરાવવા માટેના કોંગ્રેસના ઇરાદાને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માયાવતીએ કહ્યું હતું કે, દિગ્વિજયસિંહ જેવા કોંગ્રેસના નેતાઓ ઇચ્છતા નથી કે, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે કોઇપણ પ્રકારના ગઠબંધન થાય. આ લોકો ઇડી, સીબીઆઈ જેવી સંસ્થાઓથી ભયભીત થયેલા છે. બહુજન સમાજ પાર્ટીના વડાએ કહ્યું હતું કે, દિગ્વિજયસિંહ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. દિગ્વિજયસિંહે એવું નિવેદન કર્યું છે કે, માયાવતી પર કેન્દ્ર સરકાર તરફથી એટલું બધુ દબાણ છે કે, કોંગ્રેસ પાર્ટી સાથે તેઓ જાડાણ કરવા માટે તૈયાર નથી. માયાવતીએ કહ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો બિલકુલ આધાર વગરના છે.
માયાવતીએ કહ્યું હતું કે, તેઓ નક્કરપણે માને છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કોંગ્રેસ અને બસપ માટેના ગઠબંધનના ઇરાદા બિલકુલ ઇમાનદારીપૂર્વકના રહ્યા છે પરંતુ કોંગ્રેસી નેતાઓ તેમના ઇરાદા ઉપર પાણી ફેરવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું હતું કે, આ પાર્ટી હવે ખુબ જ જિદ્દી વલણ ધરાવે છે. તેને લાગે છે કે, તે એકલા હાથે ભાજપને હરાવી શકે છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટીથી દેશના લોકો ખુબ જ નાખુશ છે. ભાજપ સાથે મોટાભાગના લોકો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનો દેશભરમાં સંપૂર્ણપણે સફાયો થઇ ચુક્યો છે છતાં તેને લાગે છે તે એકલા હાથે ભાજપને હરાવી શકે છે.
ગુજરાત ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કોઇપણ બોધપાઠ સીખી રહી નથી. એક પછી એક હાર તેની થઇ રહી છે. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભાજપને કેન્દ્રથી દૂર કરવા માટે ગંભીર દેખાઈ રહ્યા નથી. બહુજન સમાજ પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી એકલા હાથે મેદાનમાં ઉતરશે. દિગ્વિજયસિંહ ભાજપ માટે કામ કરી રહ્યા છે. હાલમાં જ મધ્યપ્રદેશ ચૂંટણીમાં માયાવતીએ અજીત જાગીની પાર્ટી સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. માયાવતીના આ નિર્ણયથી કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનને મોટો ફટકો પડ્યો હતો. દિગ્વિજયસિંહે એ વખતે કહ્યું હતું કે, માયાવતીએ ભાજપના કહેવા પર સીબીઆઈના ડર અજીત જાગી સાથે ગઠબંધન કર્યું છે.