ગીતા દર્શન
યોગસ્થ: કુરુ કર્માણિસંગમ ત્યકત્વા ધનંજય II
સિધ્ધયસિધ્ધયો: સમ: ભૂત્વા સમત્વમ યોગ: ઉચ્ચતેII ૨/૪૮ II
અર્થ :-
” હે ધનંજય કર્મના કર્તાપણાનો ત્યાગ કરીને સફળતા નિષ્ફળતા વિશે સમબુધ્ધિ રાખીને કેવળ ઇશ્વરપરાયણ જ કર્મો કર, કેમ કે સમતા એજ યોગ છે.”
આ શ્ર્લોકમાં ભગવાને અર્જુનજીને જે સમજણ કે આદેશ આપેલ છે તે નીચે મુજબ છે,
કર્મના કર્તાપણાનો ત્યાગ કરવો એટલે કે આકર્મ હું કરું છું કે મારા લીધે જ થાય છે તેવો ભાવ ન રાખવો,
કર્મનું શું ફળ મળશે ? સફળ થવાશે કે નિષ્ફળ થવાશે ? તેની કશી ચિંતા કર્યા વિના બંને પરિણામને સરખાં જ ગણવાનાં છે,બંન્ને પરિણામ માટે સમત્વ અપનાવવાનું છે.સફળતા મળે તો હરખાઇ જવું નહિ ને નિષ્ફળતા મળે તો નિરાશ થવું નહિ. જે થયું તે ઇશ્વરની ઇચ્છાથી થયું તેમ માનવું,
ઇશ્વરપરાયણ કર્મો એટલે કે ઇશ્વરને ગમે તેવાં જ કર્મ કરવાં. ઇશ્વરને ગમે તેવાં કર્મ તો માત્ર અને માત્ર લોકકલ્યાણનાં જ હોઇ શકે. તો આવાં જ કર્મ કરવાં.
સમતા એટલે કે સમાનતા રાખવી તે પણ એક પ્રકારની યોગની જ પ્રક્રિયા છે. યોગનો અર્થ થાય છે જોડાણ, જોડાવું – તો પ્રભૂ સાથેના જોડાણને યોગ કહેવાય છે. સાત્વિકતા તરફ જે કર્મ લઇ જાય તે યોગ કહેવાય.
ચાલો, પ્રભૂએ આપેલ આદેશ અનુસાર ફળની અપેક્ષારહિત સમતા ધારણ કરીને કર્મ કરીએ.
અસ્તું.
- અનંત પટેલ