મુંબઈ: તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર ઉપર મુકવામાં આવેલા સેક્સુઅલ સતામણીના આરોપ બાદ આ મામલો હવે ભારે ચર્ચા જગાવી રહ્યો છે. હવે એવું જાણવા મળી રહ્યું છે કે, નાના પાટેકરે તનુશ્રીના આરોપ પર એક લિગલ નોટિસ ફટકારી છે. આ અંગેનો ખુલાસો રાજેન્દ્ર શિરોડકર દ્વારા કરવામાં આવ્યો છે. શિરોડકર નાના પાટેકરના વકીલ તરીકે છે. નાના પાટેકરના વકીલે આજે કહ્યું હતું કે, તનુશ્રી દત્તાને લિગલ નોટિસ મોકલવામાં આવી છે જે તેને મળી ગઈ છે. તનુશ્રી દત્તાને જે લિગલ નોટિસ મોકલવામાં આવી છે તેમાં મુકવામાં આવેલા આરોપો અંગે માફી માંગવા કહેવામાં આવ્યું છે. સાથે સાથે તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે.
મિડિયા સાથે વાત કરતા શિરોડકરે કહ્યું છે કે, હાલમાં આ સંદર્ભમાં કંઇ પણ કહી શકાય નહીં પરંતુ તનુશ્રી દત્તા દ્વારા આ પ્રકારના આક્ષેપો કેમ કરવામાં આવી રહ્યા છે તે અંગે અમારી પાસે કોઇ માહિતી નથી. નાના પાટેકર ટૂંકમાં જ મુંબઈ પરત ફરીને આ સંદર્ભમાં પત્રકાર પરિષદ કરશે. તનુશ્રીએ બે દિવસ પહેલા જ કહી ચુકી છે કે, તેને કોઇપણ પ્રકારની લિગલ નોટિસ મળી નથી. નાના પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા જાતિય સતામણીના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તનુશ્રીએ નાના પાટેકર સાથે તેની ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ છોડી દીધી હતી. નાનાના કહેવા પર રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા તેની કાર ઉપર હુમલો કરાયો હતો.