નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડને અંજામ આપનાર મુખ્ય આરોપી નિરવ મોદીની સામે ભારત સહિત પાંચ દેશોમાં મોટા પગલા લેવામાં આવ્યા છે. નિરવ મોદી અને તેમના પરિવારની ૬૩૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ માહિતી આપતા કહ્યું છે કે, પ્રોપર્ટી, જ્વેલરી, ફ્લેટ અને બેંક બેલેન્સને ભારત, બ્રિટન, અમેરિકા સહિત અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવ્યા છે. આવા ખુબ ઓછા મામલા છે જેમાં ભારતીય સંસ્થાઓ દ્વારા વિદેશમાં પણ અપરાધિક મામલામાં સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડીએ ન્યુયોર્કમાં નિરવ મોદીની ૨૧૬ કરોડ રૂપિયાની બે સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, આ મામલામાં મની લોન્ડરિંગના આરોપી આદિત્ય નાણાવટીની સામે ઇન્ટરપોલ રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.
ઇડીના કહેવા મુજબ હોંગકોંગમાંથી ૨૨.૬૯ કરોડ રૂપિયાની કિંમતના હિરાના દાગીના લાવવામાં આવ્યા છે. ઇડીના કહેવા મુજબ જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) દ્વારા નિરવ મોદીની સામે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ દાગીનાનો એક સ્ટોક હોંગકોંગ મોકલવામાં આવ્યો હતો. આને નિરવ મોદી તરફથી હોંગકોંગની એક ખાનગી કંપનીના ખાતામાં રાખવામાં આવ્યો હતો. એજન્સીએ કંપની અને તેના લંડન હેડક્વાર્ટર્સનો સંપર્ક કર્યો છે. ભારે રજૂઆત બાદ આખરે સફળતા મળી છે અને અંતે આ જ્વેલરીનો જથ્થો ભારત લાવવામાં સફળતા મળી છે. દાગીનાની કિંમત ૮૫ કરોડ રૂપિયા છે.
દાગીનાઓને ફાયરસ્ટાર ગ્રુપ ઓફ કંપની દ્વારા હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા. આ દાગીનાની કિંમત એક સ્વતંત્રરીતે ગણવામાં આવે તો ૨૨.૬૯ કરોડ રૂપિયા થાય છે. ઇડી દ્વારા દક્ષિણ મુંબઈમાં ૧૯.૫ કરોડ રૂપિયાના ફ્લેટ કબજે કર્યા છે જે નિરવ મોદીની બહેન પૂર્વીના નામ ઉપર છે. જે બેÂલ્જયમની નાગરિક છે. અધિકારીઓએ કહ્યું છે કે, ફ્લેટ ૨૦૧૭માં પૂર્વી દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આના પાવર ઓફ એટર્ની નિરવના ભાઈ નિશાલની પાસે છે. બીજી બાજુ એજન્સીએ આ મામલામાં નિરવ મોદી, પૂર્વી અને અન્ય પાંચ લોકોના પાંચ બેંક ખાતા જપ્ત કરી લીધા છે જેમાં ૨૭૮ કરોડ રૂપિયાની રકમ રહેલી છે. ઇન્ટરપોલે નિરવ મોદી, નિશાલ, પૂર્વી અને તેમના એક કારોબારી સુભાષની સામે રેડકોર્નર નોટિસ જારી કરી છે. અબજાપતિ જ્વેલર નિરવ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સી દ્વારા પીએનબીમાં ૧૪૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યું હતું. કૌભાંડનો પર્દાફાશ થતા પહેલા બંને વિદેશ ભાગી ગયા હતા. જાન્યુઆરી મહિનામાં બંને દેશમાંથી બહાર જતા રહ્યા હતા.