અમદાવાદ: સમાજમાં મહિલાઓની ભૂમિકા અને યોગદાન બહુમૂલ્ય છે પછી ભલે કોઇ મહિલા વર્કીંગ વુમન હોય કે, નોન વર્કીંગ એટલે કે, હાઉસવાઇફ હોય તો પણ. આજની મહિલાઓ સ્વનિર્ભર અને પ્રગતિશીલ બને તે ઘણું જરૂરી અને અનિવાર્ય બની ગયું છે. મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ નીકળી છે અને સફળતાના શિખરો કરી રહી છે ત્યારે મહિલાઓએ પણ પોતાનામાં પડેલી શકિત અને આંતરિક કૌશલ્યને નિહાળવી જોઇએ અને તેને ઓળખી વિકાસની સ્પર્ધામાં પોતે પણ સહભાગી બની પોતાના સપનાઓને સાકાર કરવા જોઇએ.વિંગ્સ ફોર વુમન સમાજની મહિલાઓ, યુવતીઓને આવી જ ઉમદા તક અને મંચ પૂરું પાડે છે એમ અત્રે વિંગ્સ ફોર વુમનના આયોજક વૈશાલીબહેન પટેલે જણાવ્યું હતું.
શહેરની વાયએમસીએ કલબ ખાતે આવી જ મહિલાઓના ગ્રુપને એકમંચ પર લાવી વિંગ્સ ફોર વુમન થીમ પર યોજાયેલા સેમીનાર પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં આજે ઘણી એવી મહિલાઓ છે કે, જેમનામાં અખૂટ પ્રતિભા અને કૌશલ્ય પડેલા છે, પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ કે દિશા મળતી નહી હોવાના કારણે તેમની પ્રતિભા-આવડત કયાંક હાંસિયામાં ધકેલાઇ જાય છે, તેના બદલે આવી મહિલાઓ કે યુવતીઓને વિવિધ ક્ષેત્રે ઉત્પાદનથી માંડી વેચાણ અને નિકાસ સુધીના તમામ તબક્કે મદદરૂપ બનવા સિધ્ધિ ક્રિએશન ડિઝાઇનર સ્ટુડિયોના નેજા હેઠળ વિંગ્સ ફોર વુમનનું એક અનોખુ અભિયાન છેડવામાં આવ્યું છે. જેના મારફતે સમાજની મહિલાઓની સ્વાવલંબી, સ્વનિર્ભર અને રોજગાર સંપન્ન બનાવી વિકાસની સ્પર્ધામાં તેમને પણ એકસમાન ધોરણે જાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિંગ્સ ફોર વુમન અંતર્ગત માત્ર અમદાવાદ શહેરમાંથી જ ૩૦૦થી વધુ મહિલાઓને જોડવામાં આવી છે અને તેનો આંક હજુ વધી રહ્યો છે. ભલે કોઇપણ મહિલા કોસ્મેટીક્સ, બ્યુટી પ્રોડકટ્સ, ડ્રેસ ડિઝાઇનીંગથી લઇ પેન્સિલ, પેપર કે કોઇપણ પ્રોડક્ટસનું ઉત્પાદન કરતી હોય તો તેને પ્રોત્સાહન આપવામાં આવશે અને તેને જીવનમાં સન્માનજકન સ્થાન હાંસલ કરાવવાના પ્રયાસો કરાશે. આગામી દિવસોમાં મહિલાઓના રોજગાર, ઉત્કર્ષ અને તેમના ઉત્પાદનોને માત્ર રાજય જ નહી, પરંતુ દેશ અને વિદેશ સુધી નિકાસ થઇ શકે તે માટેના એક ઉમદા પ્રયાસના ભાગરૂપે વિંગ્સ ફોર વુમનની ખાસ મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવશે.
સિધ્ધિ ક્રિએશન ડિઝાઇનર સ્ટુડિયોના સ્થાપક વૈશાલીબહેન પટેલે વધુમાં ઉમેર્યું કે, મહિલાઓની મહેનત અને કૌશલ્યસભર તેમના ઉત્પાદનોને વિદેશમાં પણ પહોંચાડવાનો અને ગ્રુપની આ મહિલાઓને વિદેશ પ્રવાસ કરાવવાનું ભવિષ્યનું આયોજન છે.
આ પ્રસંગે જાણીતા મહિલા સામાજિક કાર્યકર સોનલબહેન જોષીએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓના હકારાત્મક અભિગમ અને રચનાત્મક પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓએ સ્વયં પોતાનામાં આત્મવિશ્વાસ કેળવવો પડશે કે તેઓ કંઇપણ કરવા અને સફળતાના શિખરો સર કરવા સક્ષમ છે તો, તેમને જીવનમાં આગળ વધતાં કોઇ અટકાવી શકશે નહી. આજના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને પ્રોત્સાહિત થઇ હતી.