નવીદિલ્હીઃ પહેલી ઓક્ટોબરના દિવસે વિશ્વમાં ઇન્ટરનેશનલ સિનિયર સિટિઝન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે એક રિપોર્ટ સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ચર્ચા જોવા મળી છે.
આમા જણાવવામાં આવ્યું છે કે, બીપીએલ માટે વૃદ્ધાવસ્થા પેન્શનમાં કેન્દ્રનું યોગદાન માત્ર ૨૦૦ રૂપિયા રહ્યું છે. ૧૦ વર્ષથી તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પ્રતિ મહિને ૨૦૦ રૂપિયા વર્ષોથી ચુકવવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે રહેલા વરિષ્ઠ લોકોને મળનાર ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શનમાં કેન્દ્રની સાથે સાથે રાજ્યોનું યોગદાન પણ ખુબ ઓછુ રહ્યું છે.
પેન્શન પરિષદે હેલ્થ ઇઝ ઇન્ડિયાના સહકાર સાથે ભારતમાં પેન્શનની સ્થિતિ સંદર્ભે એક રિપોર્ટ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, મણિપુરમાં વૃદ્ધાવસ્થા પેન્શન માત્ર ૨૦૦ રૂપિયા છે જ્યારે કેરળ, દિલ્હી, ગોવા, પોન્ડીચેરી, આંદામાન અને નિકોબાર જેવા વિસ્તારોમાં વૃદ્ધાવસ્થા પેન્શનનો આંકડો મહિને ૨૦૦૦ રૂપિયાનો રહેલો છે.
નવ રાજ્યોમાં વૃદ્ધાવસ્થા પેન્શન ૫૦૦થી ૧૦૦૦ વચ્ચે છે. જ્યારે ૧૧ રાજ્યોમાં વૃદ્ધાવસ્થા પેન્શન ૫૦૦ રૂપિયાથી પણ ઓછું છે. ગુજરાતમાં વૃદ્ધાવસ્થા પેન્શન ૪૦૦ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આગામી દિવસોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે તે રાજસ્થાનમાં વૃદ્ધાવસ્થા પેન્શનનો આંકડો ૫૦૦ રૂપિયા રહેલો છે. અરુણાચલ પ્રદેશમાં આ સ્થિતિ પ્રમાણમાં સારી છે. કેરળ, દિલ્હી, ગોવા, હરિયાણા અને અરુણાચલ પ્રદેશમાં સ્થિતિ ખુબ સારી રહી છે.