મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ૭૬૯૫૯.૬૯ કરોડ રૂપિયાનો ઉલ્લેખનીય વધારો સંયુક્તરીતે થયો છે. આ ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે.
૧૦ કંપનીઓ પૈકી ટીસીએસ, રિલાયન્સ, એચડીએફસી બેંક અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં વધારો થયો છે જ્યારેઆઈટીસી, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી, એસબીઆઈ, ઓએનસીજી અને મારુતિ સુઝુકી ઇન્ડિયાની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છ કંપનીઓની માર્કેટ મૂડીમાં થયેલા નુકસાનની સરખામણીમાં ચાર કંપનીઓની માર્કેટ મૂડી વધારે રહી છે. આ છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૩૭૬૮.૩ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૩૦૮૯૬.૬ કરોડ રૂપિયા વધીને ૮૩૬૩૫૨.૨૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે આરઆઈએલની માર્કેટ મૂડી ૨૬૨૦૯.૪૫ કરોડ રૂપિયા વધીને ૭૯૭૫૦૨.૫૬ કરોડ રૂપિયા રહી છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી વધીને ૫૪૪૯૭૦.૪૪ કરોડ થઇ છે જ્યારે ઇન્ફોસીસની માર્કેટ મૂડી વધીને ૩૧૭૯૫૨.૭૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
બીજી બાજુ મારુતિ સુઝુકી અને એચડીએફસીની માર્કેટ મૂડી ક્રમશઃ ૨૦૮૧૩.૩૧ કરોડ અને ૧૩૪૫૧.૩૬ કરોડ ઘટીને નીચી સપાટીએ પહોંચી છે. આવી જ રીતે એસબીઆઈ અને ઓએનજીસીની માર્કેટ મૂડી ક્રમશઃ ૪૫૦૬.૯૨ કરોડ અને ૩૬૫૭.૪૮ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે અને માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આ કંપની ફરી પ્રથમ સ્થાન ઉપર રહી છે.
છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં સેંસેક્સ ૬૧૪ પોઇન્ટ ઘટીને ૩૬૨૨૭.૧૪ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જારદાર અફડાતફડી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આરબીઆઈ પોલીસી સમીક્ષાની અસર પણ જાવા મળી શકે છે.