નવી દિલ્હી: તેલની વધતી જતી કિંમતો, રાફેલ વિમાન સોદાબાજી સહિતના મુદ્દા પર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર વડાપ્રધાન મોદીએ આજે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે પોતાના જુઠ્ઠાણાને ચલાવવા માટે કોંગ્રેસ પાર્ટી બેશરમીનો સહારો લઈ રહી છે. વડાપ્રધાને પોતાની સરકારમાં દરરોજની ચીજાની કિંમતો ઘટવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ આ તમામ બાબતોનો ઉલ્લેખ ભાજપના બુથ કાર્યકરોના સંબોધનમાં કર્યું હતું. ભાજપના મેરા બુથ સબસે મજબુત કાર્યક્રમમાં મોદીએ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે પોતાની વાત રજુ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સરકારે સમાજના તમામ વર્ગો અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે ઉલ્લેખનિય કામો કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર દરરોજની ચીજાની કિંમતો ન વધે તેવા પ્રયાસમાં લાગેલી છે. મોંઘવારીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે મોંઘવારીને કાબુમાં રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. અગાઉની સરકારમાં આ આંકડો ૧૦ ટકાથી પણ વધારે હતો જે હવે ત્રણથી ચાર ટકાનો રહ્યો છે.
કાર્યક્રોના પ્રશ્નોના જવાબમાં મોદીએ પોતાની સરકાર અને અગાઉની સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકોની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા હતી તેમને અગાઉની સરકારમાં વાર્ષિક ૧૮ હજાર રૂપિયા ઈન્કમટેક્સ આપવાની જરૂર હતી. જે હવે પાંચ હજાર રૂપિયાની આસપાસ છે. વડાપ્રધાને ઈન્કમટેક્સ સ્લેબના સૌથી નીચલા સ્તરને ૧૦ થી ૫ ટકા કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભાજપ સરકારે વરિષ્ટ નાગરિકોની ટેક્સ દેવાદારીને પણ ઘટાડી દીધી છે. પહેલા મધ્યમ વર્ગ માટે આવાસ ખરીદવાની બાબત એક સપના સમાન બની ગઈ હતી પરંતુ હવે આને પૂર્ણ કરી શકાય છે. પહેલા હોમલોન પર ૧૦ ટકાથી વધારેનું વ્યાજ હતું જે હવે પોણા નવ ટકાની આસપાસ છે. જેના લીધે લોકો હે વાર્ષિક ૩૫ થી ૪૦ હજાર રૂપિયા બચાવી શકે છે. તેમની સરકારની ગાળામાં હોમ, એજ્યુકેશન અને ઓટો મોબાઈલ લોન સસ્તી થઈ છે. તેમની સરકારમાં નવા એરપોર્ટ, વિમાની મથકોનું નિર્માણ થઈ રહ્યું છે. સ્ટેશનોમાં સુધારા થઈ રહ્યા છે. મોબાઈલ સસ્તા થઈ ગયા છે.
વાતચીતની શરૂઆતમાં મોદીએ રાહુલ ગાંધીના સરદાર પટેલને લઈને આપવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોતાના જુઠ્ઠાણાને ચલાવવા માટે બેશરમીની સહાયતા લઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારેય પણ યાદ કરવામાં આવ્યા ન હતા અને આજે જ્યારે પટેલ સાહેબનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તેમનાથી સહન થઈ રહ્યું નથી. કોંગ્રેસ સરકારના રૂપમાં ભ્રષ્ટ અને નિષ્ફળ રહી હતી. છેલ્લા ચાર વર્ષના ગાળામાં કોંગ્રેસ પાર્ટીએ સંવેદનહીન અને પુરી રીતે નિષ્ફળ વિપક્ષની ભૂમિકા અદા કરી છે. કોંગ્રેસ પાર્ટીનો એકમાત્ર એજન્ડા બીજા પર કાદવ ઉછાળવાનો રહ્યો છે. ખોટા સમાચાર ફેલાવવા ઉપર ભાર મુકાયો છે. સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરતા મોદીએ કહ્યું હતું કે અમે દેશના જવાનોનું સન્માન કરીને પરાક્રમ મનાવવો જાઈએ. કોંગ્રેસના સર્જિકલ સ્ટ્રાઈકના વલણને લઈને લોકો જાઈ ચુક્યા છે. આજે પણ કોંગ્રેસ પાર્ટી આના ઉપર પ્રશ્નો ઉઠાવતી રહે છે.