સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૩માં સત્રમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે પાકિસ્તાન ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે પાકિસ્તાન એવા પડોશી દેશ તરીકે છે જેને આતંકવાદ ફેલાવવાની સાથે સાથે પોતાના દ્વારા કરવામાં આવેલી હરકતોને ફગાવી દેવામાં પણ મહારત હાંસલ થયેલી છે. પાકિસ્તાનને ત્રાસવાદીઓના અડ્ડા તરીકે ગણાવીને સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ જાહેરમાં ફરે છે તે તમામ માટે શરમજનક બાબત છે.
સુષ્માએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન અને આતંકવાદ દુનિયાની સૌથી મોટી સમસ્યા છે. પાકિસ્તાન દ્વારા વાતચીતની ઓફર સંબંધે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ભારત હમેશા વાતચીત મારફતે સમસ્યાને ઉકેલવામાં માને છે પરંતુ પાકિસ્તાનની હરકતો હંમેશા અડચણો ઉભી કરે છે. વાતચીત મારફતે જટીલ સમસ્યાઓને ઉકેલી શકાય છે પરંતુ પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો કોઈ અર્થ દેખાઈ રહ્યો નથી. તેઓ પોતે પણ ઈસ્લામાબાદ ગયા હતા અને ત્યારબાદ પઠાણકોટમાં હુમલો કરાયો હતો.
વડાપ્રધાન મોદીએ શપથગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખોને બોલાવ્યા હતા. પાકિસ્તાનમાં ફરી રહેલા હાફિઝ સઈદનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમેરિકા ઉપર થયેલા હુમલાના માસ્ટર માઈન્ડ લાદેનને ઠાર કરી દેવામાં આવ્યો છે પરંતુ હાફીઝ સઈદ જાહેરમાં ફરી રહ્યો છે. રેલીઓ કરી રહ્યો છે. ચૂંટણી લડી રહ્યો છે. ભારતને ધમકી આપી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદી બુરહાન વાનીને શહીદ તરીકે ગણાવવાની હરકત કરવામાં આવી છે. પાકિસ્તાન આતંકવાદીઓને સન્માન આપે છે અને તેમના નામે ટપાલ ટિકિટ જારી કરે છે.