શ્રીનગર: એકબાજુ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાન ભારત સાથે નવેસરથી મિત્રતાની વાત કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાની સેનાની મદદથી ફરી એકવાર આશરે ૨૩૦ ત્રાસવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરવા માટે તૈયાર થઇ ગયા છે. આ તમામ ત્રાસવાદીઓએ પરિસ્થિતીની રાહ જોઇ રહ્યા છે. ઇન્ટેલિજન્સ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એલઓસી નજીક પાકિસ્તાને આશરે ૨૭ કેમ્પ અથવા તો લોંચ પેડ બનાવી રાખ્યા છે. જ્યાંથી ભારતમાં ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી શકે છે. આમાંથી આઠ કેમ્પ તો છેલ્લા એક મહિનાના ગાળામાં જ સ્થાપિત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બની ગયા બાદ ૨૫૦ ત્રાસવાદીઓ આ કેમ્પમાં ડેરા લગાવી ચુક્યા છે. હાલમાં જ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની બેઠક થનાર હતી. જા કે આ બેઠક છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ઇન્ટેલજન્સ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને લિપા સ્થિત કેમ્પને ફરી સક્રિય કરી લીધા છે. જે જગ્યાએ ભારતીય સેનાએ બે વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં સર્જિકલ હુમલા કર્યા હતા.
આ સર્જિકલ હુમલા કરીને ભારતે પાકિસ્તાની કેમ્પને નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાન સેના ફરી એકવાર કેમ્પ સ્થાપિત કરી ચુકી છે. લશ્કરે તોયબા અને હિઝબુલ દ્વારા કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ટુંક સમયમાં જ યોજાનાર પંચાયત ચૂંટણી વેળા આ લોકો હુમલા કરવાની ખતરનાક યોજના ધરાવે છે. ભારતીય સુરક્ષા દળો સામે આગામી દિવસો પડકારરૂપ રહી શકે છે.