નવી દિલ્હી: લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટ આજે મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. આધારની કાયદેસરતાને પડકાર ફેંકનાર ૨૭ અરજીઓ ઉપર આશરે ચાર મહિના સુધી ચર્ચા ચાલી છે. લાંબી ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટે મે મહિનામાં ચુકાદો અનામત રાખ્યો હતો. મામલાની સુનાવણી જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે ૩૮ દિવસ સુધી આ મામલાની સુનાવણી ચાલુ હતી.
ચીફ જÂસ્ટસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે સુનાવણી હાથ ધરી હતી. સરકારને આ ગાળા દરમિયાન એ નિર્ણય પણ કરવાનો છે કે, આધાર કાર્ડ પ્રાઇવેસીના કાયદાને ભંગ કરે છે કે કેમ જે બંધારણ મુજબ કોઇપણ નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે છે. સરકારે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બેંક એકાઉન્ટ ખોલવા, પાન કાર્ડ બનાવવા, સેલ ફોન સર્વિસ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આધારને ફરજિયાત કરી દીધો હતો.
આધાર કાર્ડને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. અરજી કરનાર લોકોનું કહેવું છે કે, આધારકાર્ડથી સામાન્ય જનજીવનને અસર થઇ છે જેથી આધાર કાર્ડની કાયદેસરતાને ખતમ કરવાની જરૂર છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે આધાર કાર્ડના સમર્થનમાં અનેક પ્રકારની દલીલો રજૂ કરી છે. સરકારની સૌથી મોટી દલીલ એ છે કે, તેના પરિણામ સ્વરુપે સબસિડીના લાભ કોઇપણ ગેરરીતિ વગર સીધીરીતે મળી રહ્યા છે. આધાર ડેટા, સરકાર અને આધાર ઓથોરિટીનું કહેવું છે કે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આની સાથે છેતરપિંડી કરી શકાય તેમ નથી. આધારની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર હવે કેન્દ્રીત થઇ ગઈ છે.