નવી દિલ્હી: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રાષ્ટ્રીય રાયફલે આશરે આઠ કલાક સુધી ચાલેલી અથડામણ બાદ બે ત્રાસવાદીઓને ઠાર મારી દીધા છે. ત્રાસવાદીઓ સાથે આ અથડામણ બારમુલાના સોપોરે વિસ્તારમાં થઇ હતી. સવાર સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. બે ત્રાસવાદીઓને ઠાર મારીને તેમની પાસેથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સેનાએ સોમવારે મોડી રાત્રે ત્રણ ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ૨૨ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ કાશ્મીર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ટીમના જવાનો સર્ચ ઓપરેશનમાં જાડાયા હતા. આ ગોળીબાર બાદ જવાનોએ પણ આતંકવાદીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
માર્યા ગયેલા ત્રાસવાદીઓ તોઇબા સાથે જાડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી આ સંબંધમાં કોઇ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. એક પછી એક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. રવિવાર અને સોમવારના દિવસે સેનાએ અંકુશ રેખાની નજીક ઘુસણખોરી કરી રહેલા પાંચ ત્રાસવાદીઓને ઠાર મારી દીધા હતા. આ ઉપરાંત રવિવારના દિવસે પુલવામાં જિલ્લામાં સેનાએ જૈશે મોહમ્મદના કમાન્ડરને ઠાર મારી દીધો હતો. ઇન્ટરનેટ સેવાઓ વારંવાર બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ ઉપરાંત સોપોરેમાં સેનાની કાર્યવાહી દરમિયાન સાવચેતીના પગલારુપે તમામ સ્કુલોને બંધ રાખવાનો આદેશ કરાયો હતો. બીજી બાજુ વર્ષ ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન ટીમમાં સામેલ રહેલા ભારતીય સેનાના લાન્સ નાયક સંદિપ સિંહ ગઇકાલે એક એકાઉન્ટરમાં શહીદ થયા હતા. સંદિપસિંહે સર્જિકલ સ્ટ્રાઇકમાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.