નવી દિલ્હી: કલંકિત નેતાઓ અને ગંભીર અપરાધિક મામલાના આરોપીઓને ચૂંટણી લડવાથી રોકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં કોઇ પ્રતિબંધ મુક્યો નથી. આનો અર્થ એ થયો કે કલંકિત નેતાઓ હાલમાં ચૂંટણી લડી શકે છે. જા કે સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યુ છે કે આવા કલંકિત નેતાઓને સંસદમાં પ્રવેશ કરવાથી રોકવા માટે સંસદ કાનુન બનાવે તે જરૂરી છે. એકબાજુ જાવામાં આવે તો આ ચર્ચાસ્પદ મામલામાં સુપ્રીમ કોર્ટે લોકશાહીમાં સંસદની કાયદા બનાવવાની સ્વતંત્રતાને જાળવી રાખવાની બાબતને સ્વીકારી લીધી છે.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે પોતાની હદને પાર કરીને કલંકિત નેતાઓને ચૂંટણી લડતા રોકવા માટે આદેશ આપી શકે નહી. જા કે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ઉમેદવાર પોતાના શપથપથમાં બોલ્ડ અક્ષરમાં પોતાના અપરાધિક ઇતિહાસને લખે તે જરૂરી છે. ચુકાદો આપતી વેળા ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બનેલી બેંચે કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય આર્થિક આતંક તરીકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તમામ રાજકીય પક્ષોએ પોતાની વેબસાઇટ પર તમામ ઉમેદવારોના અપરાધિક ઇતિહાસની માહિતી આપવી પડશે. મતદારોને તેમના ઉમેદવાર અંગે પુરતી માહિતી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે નેતાઓના પ્રશ્ને સીધી રીતે દરમિયાનગીરી કરી નથી પરંતુ ખુબ કઠોર વલણ અપનાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે ઉમેદવારો અને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવતી જાહેરાતમાં ઉમેદવારની સામે રહેલા અપરાધિક મામલાની માહિતી તમામ સંબંધિત લોકોને આપે તે જરૂરી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક તમામ પ્રકારની જાહેરાતોમાં માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે.