વર્ષ 2017માં બોલિવુડમાં આમ તો ઘણી બધી યાદગાર ઘટનાઓ બની, પરંતુ સ્ટાઈલ આઈકોન તરીકે છવાઈ રહ્યાં અનુષ્કા શેટ્ટી અને અનુષ્કા શર્મા. ફેશનગુરુની દ્વષ્ટિએ જોઈએ તો આ વર્ષે બોલિવુડની દેન હોય તેવી કોઈ ફેશન હોય તો સિલ્ક સાડી.
બોલિવુડમાં જે પણ પરિધાન પહેરાય, જે જ્વેલરી પહેરાય જેવી હેર સ્ટાઈલ થાય તે દરેકનો આમ જનતામાં એક ટ્રેન્ડ ઉભો થઈ જાય છે. આ વર્ષે પણ એવાં ઘણાં ટ્રેન્ડ આવ્યા જે સીધ્ધા બોલિવુડ પરથી ઉતરી આવ્યા. વર્ષની શરુઆતમાં બાહુબલીની હિરોઈન અનુષ્કા ફેશન ક્રેઝી લોકોમાં સ્ટાઈલ આઈકોન બની હતી. બાહુબલીમાં દેવસેના ફેઈમ સિલ્કની સાડી આખુ વર્ષ ટ્રેન્ડમાં રહી. પાર્ટી, ફંન્કશન કે સોશિયલ ઈવેન્ટ્સમાં પણ મહિલાઓ ડિઝાઈનર આઉટફિટને બદલે સિલ્કની સાડી પહેરતી જોવા મળી.
સુરતની મહિલાઓનાં એક ગ્રુપે તો બાહુબલી સિનનાં પ્રિન્ટવાળી સાડીઓ પણ તૈયાર કરાવી હતી.
આખા વર્ષ દરમિયાન સિલ્કની સાડી ટ્રેન્ડમાં સૌથી ઉપર રહી. વર્ષનાં અંતે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં લગ્ન પણ ટોક ઓફ ધ ટાઉન રહ્યાં. તેમાં પણ દિલ્હીમાં આપેલા રિસેપ્શનમાં અનુષ્કાએ પહેરેલી લાલ સાડી સ્ટાઈલ આઈકોન બની રહી. છેલ્લા કેટલાંક સમયથી રિસેપ્શનમાં નવવધૂમાં વેડિંગ ગાઉન પહેરવાનો ટ્રેન્ડ આવ્યો હતો. અનુષ્કાએ આ ટ્રેન્ડ તોડી સિલ્ક સાડી પહેરીને રીટ્રેન્ડ ઉભો કર્યો.