નવી દિલ્હી: ભાજપના પ્રમુખ અમિત શાહે સાંજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મનોહર પારિકર ગોવાના મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. ગોવા પ્રદેશ ભાજપની કોર ટીમ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ એવો નિર્ણય લેવાયો છે કે ગોવાના મુખ્યમંત્રી તરીકે મનોહર પારિકર યથાવત રહેશે. પ્રદેશ સરકારના મંત્રીમંડળ અને વિભાગોમાં ટૂંક સમયમાં જ ફેરફાર કરવામાં આવશે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર લાંબા સમયથી બીમાર છે અને આરોગ્યની સમસ્યાથી ગ્રસ્ત છે. હાલમાં એમ્સમાં સારવાર હેઠળ છે. ગોવાની સત્તામાં ભાજપની સાથે ગઠબંધનમાં સામેલ રહેલા પક્ષોએ તેમની જગ્યાએ અન્યની નિમણૂક કરવા માટે દબાણ લાવ્યું છે.
સાથી પક્ષોનું કહેવું છે કે મનોહર પારિકર રાજ્યને સમય આપી શકવાની સ્થિતિમાં નથી. જેથી તેમની જગ્યાએ કોઈ અન્યને જવાબદારી સોંપવી જોઈએ. થોડાક દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો ગોવામાં રાજ્યપાલને મળીને વર્તમાન સરકારને વિશ્વાસ હાંસલ કરવા માટે પડકાર ફેકવા કહ્યું હતું.
જોકે રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજીત રાણેએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર બનાવવાનો દાવો કરીને લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહી છે કારણ કે તેની પાસે જરૂરી સંખ્યાબળ નથી. ગોવામાં રાજકીય ગતિવિધિનો દોર જોરદાર રીતે ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં કેટલાક ફેરફાર થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.