અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સ્વાઈન ફ્લુએ હાલમાં આતંક મચાવ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે મોટીસંખ્યામાં દર્દીઓ સારવાર હેઠળ આવ્યા છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરતમાં પણ સ્વાઈન ફ્લુના દર્દીઓ નોંધાયા છે. આજે અમદાવાદમાં સ્વાઇન ફ્લુના લીધે વધુ એકનું મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફ્લુને રોકવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦ દર્દીનાં મોત થયા છે.
જ્યારે આજે એક વધુ દર્દીનું સ્વાઇન ફલૂથી મોત થતાં તંત્રમાં દોડધામ થઇ છે. બહેરામપુરાના નગમાનગરના ૩૦ વર્ષીય યુવક અહેજાઝ દીવાનને સ્વાઇન ફલૂની સારવાર માટે ત્રણ દિવસ પહેલાં વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સ્વાઇન ફલૂની સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. સ્વાઇન ફલૂને હવેથી સિઝનલ ફલૂ તરીકે ગણવાની સૂચના રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા અપાઇ હોવાથી મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલે વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટેના અલાયદા વોર્ડ તૈયાર કરાયા છે.
બીજીબાજુ, સ્વાઇન ફલુના કારણે અમદાવાદમાં એક દર્દીનું મોત થતાં શહેરમાં કુલ મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે, જેને લઇ હવે અમદાવાદ શહેરમાં સરકારી અને આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે. ગયા વર્ષની જેમ હવે તંત્ર પણ સ્વાઇન ફલુને લઇ જાગૃતિ ફેલાવવાના અને અગમચેતીના જરૂરી પગલાં લેવા માટેની સઘન કામગીરી શરૂ કરી છે. સાથે સાથે હોÂસ્પટલમાં પણ સારવાર દરમ્યાન અન્ય દર્દીઓ કે તેમના સગાવ્હાલાને તેનો ચેપ કે ફેલાવો ના થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.