પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ તથા બાદરપુરા ખાતે ખાધ તેલ પેકીંગનો શુભારંભ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતની ગણના પછાત વિસ્તારમાં થતી હતી. રોજગારીનું કોઇ સાધન નહોતું તેવા સમયે બનાસ ડેરીની સ્થાપના કરી સ્વ.ગલબાભાઇ પટેલે શૂન્યમાંથી સર્જન કર્યુ હતું. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ મબલખ દૂધ ઉત્પાદન કરીને સમગ્ર દુનિયામાં આપણને ગૌરવ અપાવ્યું છે.
તેમણે જણાવ્યું કે ઘણા વર્ષોથી મેડીકલ કોલેજ મેળવવાની રાહ જોતા લાખો બનાસવાસીઓનું સપનું આ સરકારે સાકાર કર્યુ છે. તેમણે કહ્યું કે મેડીકલ કોલેજ સાથે અતિ આધુનિક સુવિધાઓ ધરાવતી અધતન હોસ્પિયટલ પણ બનશે જેનો લાભ સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત પાડોશી રાજય રાજસ્થાતનને પણ મળશે. જેનાથી આરોગ્ય ક્ષેત્રે ખુબ સારી સેવાઓ મળી શકાશે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લોમાં મેડીકલ કોલેજ શરૂ થવાથી જિલ્લા ના વિકાસ અને સુખ-સમૃધ્ધિં ક્ષેત્રે એક નવા પરોઢનો ઉદય થયો છે એમ જણાવતાં તેમણે કહ્યું કે આ મેડીકલ કોલેજ અને તે સાથેના રિસર્ચ સેન્ટયરથી બનાસકાંઠા જિલ્લામનો ઝડપી સર્વાંગી વિકાસ થશે તે સાથે બનાસકાંઠા જિલ્લા નું નામ તબીબી ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ચમકશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતે મેડીકલ ક્ષેત્રમાં નવા આયામો સર કર્યા છે. તેમણે કહ્યું કે ૧૯૯૫ પહેલાં રાજયમાં માત્ર ૬ મેડીકલ કોલેજો અને ૯૦૦ મેડીકલની સીટો હતી. જયારે આજે ૨૬ મેડીકલ કોલેજો અને ૫૦૦૦ મેડીકલની સીટો છે. જેથી હવે ઘર આંગણે મેડીકલ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બની છે. તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાત તેલીબીયા ઉત્પાદનમાં પણ અગ્રેસર છે ત્યારે ખેડુતોને પુરતા ભાવ મળે અને લોકોને આરોગ્યપ્રદ શુધ્ધ તેલ મળે તે માટે તેલ બનાવતી રીફાઇનરી મીલ સહકારી ધોરણે શરૂ કરવામાં આવી છે. પટેલે કહ્યું કે અમારી સરકારે પ્રજા કલ્યાણના જે કાર્યો કર્યા છે તેના માટે અમને ગૌરવ છે. પાલનપુરમાં નીતિન પટેલે સરકારની કામગીરીની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, વર્તમાન સરકાર સર્વાંગી વિકાસ માટે સતત કામ કરી રહી છે.