પાલનપુર: યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા. બીજી બાજુ પગપાળા સંઘ પણ અભૂતપૂર્વ સંખ્યામાં રસ્તાઓમાં પહોંચી રહ્યા છે. અંબાજી દેવસ્થાન દ્વારા પણ રસ્તાઓ ઉપર યાત્રીઓ માટે ઘણા સ્થળોએ પાકા સેડ બનાવવામાં આવ્યા છે. મેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ૮૧ જગ્યાએ હંગામી વોટરપ્રુફ વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે.
અંબાજી મંદિરમાં લાઈન ઉભા રહેલા દર્શનાર્થીઓને સ્વયંસેવકો દ્વારા જળ સેવા આપવામાં આવી રહી છે. યાત્રીકો માટે રેલિંગ અલગ વ્યવસ્થા છે. દર્શન કરીને બહાર આવતા દર્શનાર્થીઓના ચહેરા પર આનંદ સંતોષની લાગણી જાવા મળી રહી છે. પ્રથમ દિવસે ૨.૫૦ લાખ યાત્રીઓએ દર્શન કર્યા છે. ૨૪૬૨૦૦ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરની કુલ આવક ૪૯૦૦૭૧૨ થઇ છે. ભાદરવી પુનમના મહામેળાનો ગઇકાલે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના હસ્તે અંબાજી ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી મુકામે દાંતા રોડ ઉપર આવેલ પ્રદર્શન ગેલેરીની બાજુમાં, મેઇન રોડ ઉપર કલેકટરના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવો અને માઇભક્તોએ રથને થોડેક સુધી ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ સમયે ઉપસ્થિત હજારો માઇભક્તો પદયાત્રીકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા. પ્રદર્શન ડોમમાં માહિતી ખાતાના અદ્યતન પ્રદર્શનનુ કલેકટરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. કલેકટરએ પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યુ હતુ. આ મેળો ૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જાવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈચ્છિક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે.
ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તૈયારીઓને ધ્યાનમાં લઇને પહેલાથી જ તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે.
મેળાની તમામ તૈયારીઓ ગઇકાલે જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. માતા અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો જાવા મળી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જાવા મળી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલાડો, હિંમતનગર માર્ગો ઉપર રાત દિવસ માતાના રથ અને ધજા સાથે શ્રદ્ધાળુઓ જાવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે હિંમતનગરમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.