ડુંગરપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હાલમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી આજે ડુંગરપુરના સગવાડા પહોંચ્યા હતા. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે, તેમની પાર્ટી મળીને ચૂંટણી લડી રહી છે. સાથે સાથે અશોક ગહેલોત અને સચિન પાયલોટની વચ્ચે કોઇપણ પ્રકારના મતભેદ નથી. વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં અવાજ ઉઠી રહ્યો છે કે, ગલી ગલી મેં શોર હૈ હિન્દુસ્તાન કા ચોકીદાર ચોર હૈ.
ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, ગૌરવ યાત્રામાં પૈસા લોકોના ખિસ્સામાંથી કાઢવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેમની સરકાર આવશે તો લોકોના હિતમાં પગલા લેશે.
સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું વચન આપતા કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે એક દિવસ તમે ફોનની પાછળ જુઓ ત્યારે તેના પર મેડ ઇન રાજસ્થાન અને મેડ ઇન ડુંગરપુર લખેલુ મળે. રાહુલે મહિલાઓના પ્રતિનિધિઓને વધારવાની માંગ કરતા કહ્યું હતું કે, તેઓ વધુને વધુ મહિલાઓ ચૂંટાઈને આવે તેમ ઇચ્છે છે. કારણ કે, ભારતમાં મહિલાઓની પ્રગતિ વગર કોઇ બાબત શક્ય બની શકશે નહીં. રાજસ્થાનમાં કોંગ્રેસના બે ભાગ ગણાતા સચિન પાયલોટ અને અશોક ગહેલોત ફરી એક સાથે નજરે પડ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, એક દિવસે તેઓએ અખબારમાં જાયુ કે, સચિન પાયલોટ મોટરસાયકલ ચલાવી રહ્યા છે અને અશોક ગહેલોત પાછળ બેઠા છે. એ જ વખતે મને લાગી ગયું હતું કે, રાજસ્થાનના કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી ગઈ છે.
રાજસ્થાનના ચૂંટણી રણમાં ભાજપને પછડાટ આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ નવા નવા હથિયાર અજમાવવાની શરૂઆત કરી દીધી છે. ભાજપના હર હર મોદી ઘર ઘર મોદીના નારાની સામે કોંગ્રેસ પાર્ટીએ હવે હર હર કોંગ્રેસ ઘર ઘર કોંગ્રેસનો નારો આપ્યો છે. ચૂંટણી પ્રચાર માટે રણશિંગુ ફુંકવા રાહુલ ગાંધી આજે આદિવાસી પ્રભાવ ધરાવતા ડુંગરપુર પહોંચ્યા હતા જ્યાં તેમનું આ નારા સાથે સ્વાગત કરાયું હતું. સંકલ્પ મહારેલીમાં રાહુલની કૈલાશ માનસરોવરની યાત્રાનો ઉલ્લેખ કરાયો હતો.
સાંગવાડામાં કોંગ્રેસની સંકલ્પ મહારેલીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. મધ્યપ્રદેશમાં પણ રાહુલ ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. રાહુલ આદિવાસી પ્રભાવ ધરાવતા દક્ષિણી રાજસ્થાનની યાત્રા દરમિયાન આક્રમક પ્રચાર કરી રહ્યા છે. ૧૬ આદિવાસી સીટો ઉપરથી ૧૪માં ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અહીં જીત મેળવી હતી. ભાજપનો આ દેખાવ એ વખતે હતો જ્યારે અશોક ગહેલોતે એ વખતે દેશના અન્ય હિસ્સાઓ સાથે ૧૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.