મુંબઈ: શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આજે મંદીના પરિણામ સ્વરુપે છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ મુડીરોકાણકારો ૩.૬૨ લાખ કરોડ રૂપિયા ગુમાવી ચુક્યા છે. માર્કેટ બેંચમાર્ક માં આજે ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. સોમવાર બાદથી ઇન્ડેક્સમાં ૯૭૦ પોઇન્ટનો ઘટાડો થઇ ચુક્યો છે. શેરોમાં જ ઘટાડાના પરિણામ સ્વરુપે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૩૬૨૩૫૭.૧૫ કરોડ સુધી ઘટી જતાં અફડાતફડી મચી ગઈ છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ખેંચતાણ, ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયાના ઘટતા જતા ભાવના કારણે હાલત કફોડી બનેલી છે.
દરમિયાન આજે રૂપિયામાં ૬૧ પૈસાની રિકવરી થઇ હતી. માર્ચ ૨૦૧૭ બાદથી એક દિવસમાં રૂપિયામાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. બેંકો દ્વારા ડોલરના જારદાર વેચાણના લીધે ડોલર સામે રૂપિયો આજે ૭૨.૩૭ થયો હતો. સતત બે દિવસથી ઘટાડો થયા બાદ આજે બ્રેક મુકાઈ હતી. રૂપિયો ૬૧ પૈસા મજબૂત થઇને ૭૨.૩૭ની સપાટીએ રહ્યો હતો. ૧૪મી માર્ચ ૨૦૧૭ બાદથી એક દિવસનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત ત્રીજા દિવસે શેરબજારમાં મંદી રહેતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા.
આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઘટીને ૩૭૧૨૧ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એચડીએફસી બેંક, એચડીએફસીના શેરમાં ૧.૪ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટ અથવા તો ૦.૪ ટકા ઘટીને ૧૧૨૩૪ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.