નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે આખરે ત્રિપલ તલાક સાથે સંબંધિત વટહુકમને આજે લીલીઝંડી આપી દીધી હતી. આની સાથે જ સરકારની પાસે હવે તેને પસાર કરવા માટે છ મહિનાનો સમય રહેશે. મોદી સરકારે ત્રિપલ તલાક બિલ સંસદમાં અટવાઇ પડતા હવે તેને લાગુ કરવા માટે વટહુકમનો રસ્તો અપનાવવા માટેનો નિર્ણય કર્યો છથે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ વટહુકમને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. આ વટહુકમ હવે છ મહિના સુધી અમલી રહેશે. એ વખત સુધી સરકારને આને પસાર કરવાની જરૂર રહેશે.
એટલે કે સરકારને હવે શિયાળુ સત્રમાં જ આ બિલને પસાર કરવાનુ રહેશે. લોકસભામાં આ બિલ પસાર થયા બાદ આ બિલ રાજ્યસભામાં અટવા ગયુ હતુ. કોંગ્રેસે સસદમાં કહ્યુ હતુ કે તે બિલમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેમ ઇચ્છે છે.કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ઉત્તરપ્રદેશ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યુ છે કે આખરે મહિલાની જીત છે. રિઝવીએ કહ્યુ હતુ કે મહિલાઓએ કટ્ટરપંથી વર્ગની સામે ટક્કર લઇને આ મામલે રજૂઆત કરી હતી. આ મામલાને સમાજમાં લાવવામાં ભૂમિકા અદા કરી હતી. મહિલાઓ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી હતી. રિઝવીએ કહ્યુ હતુ કે હવે અમે પરિવારમાં યુવતઓની હિસ્સેદારીની લડાઇને વધારીશુ.