અમદાવાદ: પોતાના સમર્થકો-ટેકેદારો સાથે મહ્ત્વપૂર્ણ બેઠક યોજી લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહેવાની મહત્વપૂર્ણ જાહેરાત આજે ગુજરાતના પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ કરી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતાં અને રૂપિયાની કથળેલી સ્થિતિને લઇ શંકરસિંહ વાઘેલા(બાપુ)એ ભાજપ અને મોદી સરકાર પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ, હાલની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે.
દેશ અને પ્રદેશની જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે. મોદી કરેલા કામનો હિસાબ આપે, જનતાને આપેલી વચનોની ઉઘરાણી પ્રજા કરી રહી છે. એક સમયના ભાજપના દિગ્ગજ નેતા અને અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડીને બેઠેલા શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, મે વડાપ્રધાન મોદીને તા.૨૧મે,૨૦૧૪માં વિદાય સમારંભ સમયે કહ્યું હતું કે આપે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. દેશ અને રાજ્યોમાં તમારી સરકાર છે. સાડા ચાર વર્ષ કેંદ્ર સરકારને થવા છતા જનતા વતી હિસાબ માગુ છું. કોઈ વ્યક્તિગત વાત કે ઉઘરાણી નથી, આ પ્રજા વતી ઉઘરાણી છે. પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપો છો. દેશના ખેડૂતોને ભાજપ સરકાર દગો કરી રહી છે. ખેડૂતોને વિજળી, સિંચાઈના પાણી પુરા પાડવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ બની છે. તેમણે ઉમેર્યું કે ત્રીજા મોરચા જેવું કશું હોતુ નથી. રાહુલ ગાંધીએ સેક્રીફાઈસની વાત કરી. ભાજપ સામે બધા વિપક્ષોએ એક થવું જોઇએ. ભાજપ સામે ત્રીજો અને પણ બીજો મોરચો બનવો જોઇએ.
લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહીશ. યોજનાઓના માત્ર નામ બદલી નખાયા છે. ભાજપના તમામ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. હું ૨૦૧૯માં ભાજપની સામેનો વડાપ્રધાન જોવા માંગુ છું. હું ઘર વાપસીની શોધમાં નથી. હું મારા ઠેકાણે જ છું. એનસીપીમાં જોડાવવાની અટકલો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી કે તેઓ એનસીપીમાં જોડાવવાના નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ ગૌત્રમાંથી કોંગ્રેસની કંઠી બાંધ્યા બાદ કોંગ્રેસથી છેડો ફાડનારા શંકરસિંહ વાઘેલાએ લોકોને ત્રીજા વિક્લ્પરૂપે જનવિકલ્પ મોરચો આપ્યો હતો. મોરચાને ચૂંટણીમાં ભૂંડી રીતે હારનો સામનો કર્યો હતો અને શંકરસિંહના રાજકીય અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા હતા ત્યારે આજે બાપુએ ભારે મક્કમતા સાથે લોકસભામાં સક્રિય થવાની જાહેરાત કરી સૌકોઇને ચોંકાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ ૧૪ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે શંકરસિંહ વાઘેલા જૂથમાં ફરી સળવળાટ થતો જોવા મળ્યો હતો. કયા મુદ્દે બેઠક મળી હતી તે અંગેનો એજન્ડા હજુ સુધી જાણવા મળી શકયો ન હતો. પરંતુ સમર્થકો-ટેકેદારો સાથે આજની બેઠકમાં રામસિંહ પરમાર, સી.કે.રાઉલજી, રાઘવજી પટેલ, અમિત ચૌધરી, માનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બાપુની જાહેરાતને પગલે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.