ગીતા દર્શન
“ યાવાનર્થઉદપાનેસર્વત: સંપ્લુતોદકે??
તાવાન્સર્વેષુવેદેષુબ્રાહ્મણસ્યવિજાનત : ??૨/૪૬??”
અર્થ –
“ જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કૂવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મ નું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. “
કૂવો પાણી માટેનું સાધન ખરો, પણ મર્યાદાવાળો. પાણી પૂરું પાડવાની એની ક્ષમતા ઘણી ઓછી. તમારે વધારે પાણી જોઈતું હોય તો સરોવર નો આશરો લેવો પડે. તમારી તરસને તમે મર્યાદિત માત્રામાં સંતોષી શકતા હોવ તેના બદલે જો તમને મીઠા પાણીનું સરોવર મળી જાય તો કેવું ? મઝા આવી જાય ને ? આ જ ઉદાહરણથી ભગવાન આપણને સમજાવે છે કે જે મનુષ્ય સરોવર રૂપી બ્રહ્મ ને પામી લે છે, શોધી લે છે, મેળવી લે છે તેને માટે કૂવા રૂપી વેદનું અધ્યયન કરવાની જરૂર રહેતી નથી. વેદો-ઉપનિષદો-પુરાણો આ બધાના અધ્યયન દ્વારા આપણે અંતે શું મેળવવા માગીએછીએ? અંતે તો આપણને જોઇએ છે ચિરકાળની શાંતિ, પ્રભુનું સતત સાનિધ્ય અને આપણી સદાયની ભૂખ અને તરસ મટી જાય તેવું ગહન જ્ઞાન…. જો આપણે બ્રહ્મ ને અર્થાત્ ઇશ્વરને ઓળખીને જો પામી લઇએ, આત્મસાત્ કરી લઇએ તો પછી આપણે અન્ય કોઇ શાસ્ત્રો કે પુરાણ પર આધાર રાખવાની જરૂર રહેશે નહિ. કૂવાથી તરસ છીપે જ છે તેમ શાસ્ત્રનું અધ્યયન કરવાથી આપણને શાંતિ તો મળે જ છે પણ જો બ્રહ્મ ની પ્રાપ્તિ થઇ જાય તો પછી બીજી કોઇપણ પ્રકારની તરસ રહેશે નહિ.
પેલું આપણે સાંભળ્યું છે ને કે
“ પોથી પઢ પઢ જગ મૂઆ પંડિત હુઆ ન કોઇ
ઢાઇ અચ્છર પ્રેમકા પઢે સો પંડિત હોય.. “
આમાં થોડો ફેરફાર કરીને કહેવાનું મન થાય કે
“ ઢાઇ અચ્છર બ્રહ્મકા પઢે સો પાવન હોય.. “
અસ્તુ.
- અનંત પટેલ