નવી દિલ્હી: નક્સલવાદીઓ સાથે સંપર્ક રાખવા અને ગેરકાયદે ગતિવિધિના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા કાર્યકરોના મામલા પર સુપ્રીમ કોર્ટમાં ૧૯મી નવેમ્બર સુધી સુનાવણી ટળી ગઈ છે. આવી સ્થિતિમાં ધરપકડ કરવામાં આવેલા પાંચ માઓવાદી શુભેચ્છકોને બીજા બે દિવસ સુધી હાઉસ એરેસ્ટ હેઠળ રાખવામાં આવશે. આ પહેલા સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આના પરિણામ સ્વરુપે દેશમાં શાંતિ સામે ખતરો થયેલો છે.
આ ગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે પાંચ આરપીઓની સામે પુણે પોલીસ તરફથી એકત્રિત કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવાની વાત કરી હતી. રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત રહેલા તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, આરોપી માત્ર ભીમાકોરેગાંવના મામલામાં ધરપકડ કરવામાં આવ્યા નથી. એવી શંકા છે કે, આ લોકો દેશમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસમાં આવ્યા હતા.
બીજી તરફ આ પ્રકારના આક્ષેપોને ફગાવી દેતા બચાવ પક્ષના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આ મામલાની તપાસ એસઆઈટી મારફતે કરવામાં આવે તે જરૂરી છે. અથવા તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જાઇએ. કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, અમે કોઇ પ્રચાર માટે આગળ વધી રહ્યા નથી પરંતુ ગંભીરતાપૂર્વક આ મામલામાં ધ્યાન આપી રહ્યા છે. હાલમાં માઓવાદી શુભેચ્છકોના મુદ્દે હોબાળો છે.