અમદાવાદ:કેરીના રસમાં પ્રતિબંધિત કલર ભેળવી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાના ખાદ્ય ભેળસેળના એક ગંભીર કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે આરોપી વેપારી જગદીશ ગાંડાભાઇ પટેલને છ મહિનાની સખત કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકારતો હુકમ કર્યો હતો. ખાદ્ય ભેળસેળના કેસમાં આરોપી વેપારી જગદીશ ગાંડાભાઇ પટેલને મેટ્રોપોલીટન કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી હતી, જેની સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જા કે, એડિશનલ સેશન્સ જજ ડી.પી.મહિડાએ આરોપીની અપીલ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી અને તેને નીચલી કોર્ટે ફટકારેલી છ મહિનાની સખત કેદની સજા અને દંડનો હુકમ કાયમ રાખ્યો હતો.
એટલું જ નહી, સેશન્સ કોર્ટે આરોપીના બેલબોન્ડ કેન્સલ કરી તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. ખાદ્ય ભેળસેળના કેસમાં સજા પામેલા આરોપી જગદીશ ગાંડાભાઇ પટેલની અપીલનો સખત વિરોધ કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નિષ્ણાત એડવોકેટ મનોજ ખંધારે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ કેરીના રસમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરી છે, અમ્યુકોના અધિકારી દ્વારા આરોપીની ડેરીમાંથી લેવાયેલા કેરીના રસના નમૂના અને પૃથ્થકરણમાં આ બાબત સાબિત થઇ છે, આમ કરી આરોપીએ પ્રજાના આરોગ્ય અને જાહેરહિત સાથે ગંભીર ચેડા કર્યા છે.
સમાજમાં ખાદ્ય ચીજામાં ભેળસેળના કેસો વધી રહ્યા છે, ત્યારે ગંભીર ગુનાહિત કૃત્યને સહેજપણ હળવાશથી લેવું જાઇએ નહી. અમ્યુકો તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી મનોજ ખંધારે કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું કે, આરોપી વેપારીના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ મેટ્રોપોલીટન કોર્ટે તેને ફટકારેલી છ મહિનાની કેદની સજાનો હુકમ યોગ્ય અને વાજબી છે, મેટ્રોપોલીટન કોર્ટે કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો અને પ્રથમદર્શનીય પુરાવાઓને ધ્યાનમાં લઇને જ સજાનો યોગ્ય હુકમ કર્યો છે અને તેથી આરોપી વેપારીની અપીલ સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દેવી જાઇએ. અમ્યુકોના નિષ્ણાત વકીલ ખંધારની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આપી વેપારીની અપીલ ધરાર ફગાવી દીધી હતી.
એટલું જ નહી, સેશન્સ કોર્ટે આરોપી જગદીશ ગાંડાભાઇ પટેલના બેલબોન્ડ કેન્સલ કરી તેને તાત્કાલિક સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસની વિગત એવી છે કે, ગત તા.૭-૫-૨૦૦૪ના રોજ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર ચાર રસ્તા પાસે જીલ્સ ડેરી પેલેસ ખાતે આરોપી જગદીશ પટેલની ડેરી ખાતે અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો અને કેરીના રસના નમૂના લીધા હતા. જેમાં સેમ્પલમાં કેરીના રસમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરાઇ હોવાનું માલૂમ પડતાં આરોપી વેપારી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાઇ હતી. જેનો કેસ ચાલી જતાં તેને મેટ્રો.કોર્ટે છ મહિનાની સજા ફટકારી હતી. આ સજાને પડકારતી આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ સેશન્સ કોર્ટે પણ આરોપી વેપારીને કોઇ રાહત આપી ન હતી અને તેની છ મહિનાની કેદની સજા કાયમ રાખી હતી.