અમદાવાદ: કોઇપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઇ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરના વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
સુપ્રીમકોર્ટના આ ચુકાદાના વિરોધમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્દેશાનુસાર આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વકીલોનું આંદોલન શરૂ થશે. આજે અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો અને વિવિધ વકીલમંડળોના આગેવાનો ગાંધીઆશ્રમ ખાતે બપોરે ૧૨-૩૦ વાગ્યે એકત્ર થશે, જયાં વકીલોના આગેવાનો મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવીને બાદમાં સુભાષબ્રીજ ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરશે.
અમદાવાદની જેમ જ રાજયના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ વકીલમંડળોના દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો અને તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવાના કાર્યક્રમો યોજાશે.ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ આવતીકાલના આંદોલન કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, વકીલોને હડતાળ પર પાબંદી લગાવતો સુપ્રીમકોર્ટના ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર પર સીધા પ્રહાર અને કુઠારાઘાત સમાન હોઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ હવે આ મામલે દેશના તમામ રાજયોમાં આ ચુકાદાને લઇ વકીલોમાં જાણકારી અને જાગૃતિ આપવા તા.૧૭મી સપ્ટેમ્બરથી જાગૃતિ અભિયાન છેડવા ગુજરાત બાર કાઉન્સીલ સહિત દેશના તમામ વકીલમંડળોને હાકલ કરી છે. તેના અનુસંધાનમાં ગુજરાત સહિત દેશભરમાં વકીલોના વિરોધ કાર્યક્રમો યોજાશે.
આજે સુપ્રીમકોર્ટના આ ચુકાદાની વકીલબંધુઓમાં સમજ અને જાગૃતિ આપવા ગુજરાતના તમામ જિલ્લા -તાલુકા કોર્ટોમાં ખાસ જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર-દેખાવોનો કાર્યક્રમ યોજાશે. આ વિરોધ કાર્યક્રમને લઇ તાલુકા કક્ષાએ મામલતદારને અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર અપાશે. એ પછી આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા રાજયના મુખ્યમંત્રી, કાયદામંત્રી, ધારાસભ્યો અને સંસદસભ્યોને રજૂઆત કરી આવેદનપત્ર અપાશે. જેમાં અમદાવાદમાં આવતીકાલે ગુજરાત બાર કાઉન્સીલના હોદ્દેદારો અને વિવિધ વકીલમંડળના આગેવાનો ગાંધીઆશ્રમ ખાતે બપોરે ૧૨-૩૦ વાગ્યે એકત્ર થશે, જયાં વકીલોના આગેવાનો મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવીને બાદમાં સુભાષબ્રીજ ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરશે. અમદાવાદની જેમ જ રાજયના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ વકીલમંડળોના દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો અને તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવાના કાર્યક્રમો યોજાશે.
ઉલ્લેખનીય છે કે, ઓકટોબર મહિનામાં દેશભરના વકીલો દિલ્હી ખાતે સુપ્રીમકોર્ટ અને સંસદ બહાર એકત્ર થઇ રાષ્ટ્રવ્યાપી આશ્ચર્યકારક કાર્યક્રમ આપશે. દિલ્હીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરમાં આશરે બે લાખથી વકીલો ઉમટે તેવો અંદાજ છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આવતીકાલે વકીલોનું આંદોલન અને વિરોધ કાર્યક્રમો હોઇ કોર્ટ કામગીરી ખોરવાય તેવી પૂરી શકયતા છે.