ચેન્નાઈ: તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આજે એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે રાજીવ ગાંધી હત્યા કેસમાં રહેલા સાત અપરાધીઓને છોડી મુકવાના સંદર્ભમાં કેન્દ્ર સરકારના રેફરન્સની માંગ કરવામાં આવે છે. પુરોહિતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના રેફરન્સની કોઈપણ માંગ કરવામાં આવી નથી. રાજભવનના જાઈન્ટ ડિરેકટર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ જ્યારે પણ જરૂર પડશે ત્યારે આ મુદ્દા ઉપર જરૂરી વાતચીત કરશે.
સુપ્રિમ કોર્ટના તારણોના અનુસંધાનમાં આ હિલચાલ શરૂ થઈ છે. રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અપરાધીઓને મુક્ત કરવાનો મામલો વિચારણા હેઠળ છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સંડોવણી બદલ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા અપરાધીઓના મામલામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ટીવી ચેનલોમાં પણ આ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ હતી. હે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગૃહ મંત્રાલયને આ સંદર્ભમાં હજુ સુધી કોઈ જાણ કરાઈ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે છ દિવસ પહેલા જ તમિળનાડુ કેબિનેટે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ સાત અપરાધીઓનો છોડી મુકવા ભલામણ કરવાનો નિર્ણય કર્યો હતો.
બંધારણની કલમ ૧૬૧ હેઠળ આ ભલામણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પલાનીસામીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ ભલામણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બે કલાક સુધી ચાલી હતી. અપરાધી પૈકીના એક પેરારીવલનની અરજી ઉપર નિર્ણય લેવા સંબંધિત સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. રાજીવ ગાંધીના તમામ હત્યારાઓ છેલ્લા ૨૭ વર્ષથી જેલમાં છે. અપરાધીઓ પૈકીના એકે મુખ્યમંત્રી સાથે હાલમાં બેઠક યોજી હતી.
આ અપરાધીની માતા હાલમાં તેમના આવાસ ઉપર મુખ્યમંત્રીને પણ મળી હતી અને સરકારનો આભાર માન્યો હતો. તેમના પુત્ર અને અન્ય છ અપરાધીઓને છોડી મુકવા માટે આ ભલામણ કરવામાં આવી હતી. રાજભવન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રક્રિયા સાથે સંબંધિત તમામ પ્રયાસો યથાવત રીતે ચાલી રહ્યા છે. જ્યારે જરૂર પડશે ત્યારે ચર્ચા થશે. વાજબી માહોલમાં તમામ સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે.