રેવાડી: હરિયાણાના રેવાડીમાં બોર્ડ ટોપર વિદ્યાર્થીની સાથે ગેંગરેપના આરોપીઓ અંગે પુરાવા અથવા તો માહિતી આપનારને એસઆઈટી તરફથી ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એસઆઈટીનું નેતૃત્વ કરી રહેલા નુહના એસપી નાઝનીન ભસીને પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આરોપીઓ અંગે માહિતી આપનારને એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
એસઆઈટી તરફથી પીડિતા સાથે રેપના અહેવાલને હવે સમર્થન આપ્યું છે. બીજી બાજુ આ સનસનાટીપૂર્ણ ઘટના બન્યાના ત્રણ દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ હજુ સુધી થઈ શકી નથી. આવી સ્થિતિમાં ખળભળાટ મચી ગયો છે. તંત્રની વ્યાપક ટીકા કરવામાં આવી રહી છે.
સૂત્રોએ કહ્યું છે કે વહીવટીતંત્ર સામે સામાન્ય લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ પોલીસના કહેવા મુજબ મુખ્ય આરોપી સેનામાં નોકરી કરે છે. હરિયાણાના ડીજીપી બી એસ સંધુએ કહ્યું છે કે મુખ્ય આરોપી સેનાનો જવાન છે. તેની પોસ્ટીંગ રાજસ્થાનમાં છે. અમે તેની સામે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. વોરંટ મેળવવામાં આવશે. અન્ય બે આરોપીઓને પણ ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે. એસપી નાઝનીન ભાસીને કહ્યું છે કે આરોપી ઘટનાની રાત્રેથી ફરાર થયેલા છે. એટલે કે ૧૨મી સપ્ટેમ્બરથી આ લોકો ફરાર છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. નાઝનીનનું કહેવું છે કે અમારી પ્રાથમિકતા હાલમાં અપરાધીઓને પકડવા માટેની રહી છે. આમાં કોઈપણ બેદરકારી રાખવામાં આવશે નહીં. આમાં ઝડપથી તપાસ ચાલી રહી છે. કોઈના અંગે પણ માહિતી મળશે તો તરત કાર્યવાહી કરાશે. હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગી રહ્યા નથી. ૧૯ વર્ષીય યુવતી સાથે બુધવારના દિવસે ગેંગરેપની ઘટના બની હતી. તે વખતે તે કોચીંગ સેન્ટરથી પરત ફરી રહી હતી.