મુંબઈઃ કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી કૃપાશંકર સિંહને લઇને જુદી જુદી અટકળો ચાલી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, કૃપાશંકર સિંહ ભાજપમાં સામેલ થવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ભગવાન ગણેશની પૂજા કરવા માટે કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી કૃપાશંકર સિંહના બાંદરામાં પાલીસ્થિત આવાસ ઉપર પહોંચ્યા હતા.
આ સંદર્ભમાં પુછવામાં આવતા કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, આ માત્ર અટકળો છે. મુખ્યમંત્રી તેમના આવાસ ઉપર આવ્યા છે જેથી અટકળોનો દોર શરૂ થયો છે. કૃપાશંકર સિંહ મુંબઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. એપ્રિલ ૨૦૧૫માં મુંબઈ પોલીસની ઇકોનોમિક ક્રાઈમ શાખા દ્વારા સિંહ અને તેમના પરિવારની સામે કેસ દાખલ કર્યો હતો. એક સામાજિક કાર્યકર દ્વારા સિંહની સામે એસીબીની પાસે અને મુંબઈ હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરી હતી. પોતાની આવકના જાણિતા સાધનોની સામે અપ્રમાણ સંપત્તિ એકત્રિત કરવાનો આક્ષેપ કર્યો હતો.
અલબત્ત આ વર્ષની શરૂઆતમાં મુંબઈની એક ખાસ અદાલતે કૃપાશંકર સિંહ અને તેમના પરિવારના સભ્યોને આ મામલામાં આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. ફડનવીસ ભગવાન ગણેશના દર્શન માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી મિલિંદ નારવેગરના આવાસ ઉપર પણ પહોંચ્યા હતા.તેઓ પણ આજ ઇમારતમાં રહે છે. કૃપાશંકર પણ અહીં જ રહે છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે પોતાના સાથી પક્ષ શિવસેનાની સાથે સંબંધોને વધુ મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે.
મહારાષ્ટ્રમાં અને સાથે સાથે દેશમાં ભાજપ અને શિવસેના વચ્ચે હાલમાં જે ખેંચતાણ વધી છે તેના કારણે વિરોધ પક્ષો દ્વારા તેમની વચ્ચે ખેંચતાણને વધારવાના પ્રયાસમાં લાગેલા છે. આવી સ્થિતિમાં ફડનવીસની આ બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.