અમદાવાદઃ ભાજપા મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા દ્વારા આગામી તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૧૮ સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન નક્કી કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે વીડીયો કોન્ફરન્સ તેમજ દુરદર્શનના માધ્યમ દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે.
સમગ્ર દેશના ભાજપા સંગઠન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત તમામ કાર્યકર્તાઓને તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૧૮ ગાંધી જયંતિ સુધી દરરોજ એક કલાક પોતાના વિસ્તારોમાં સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહ્વાન કરેલ છે. જે અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લા/મહાનગર તેમજ તાલુકાઓમાં બુથસ્તર પર મંદિર, શાળાઓ, મંડી બજાર, હોસ્પીટલ, જાહેર ઉદ્યાનો વગેરે જેવા જાહેર સ્થાનો પર સ્વચ્છતા માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજના આગેવાનો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તથા સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા હી સેવાના સંકલ્પને સિધ્ધ કરશે.
ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલ બીહારી વાજપેઇજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આગામી ૧૬ સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરો સહિત વિવિધ સ્થાનો પર અટલજીની યાદમાં કાવ્યાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવશે. જેમાં અટલજીની કવિતાઓનું પઠન કરવામાં આવશે તથા ગુજરાતી અને હિન્દી ભાષાના કવિઓ ઉપસ્થિત રહી કાવ્યપઠન દ્વારા શ્રધ્ધેય અટલજીને કાવ્યાંજલી અર્પણ કરશે. આ કાવ્યાંજલી કાર્યક્રમોમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા સુરત ખાતે તથા મનસુખ માંડવીયા વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે.
પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર નવસારી ખાતે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ તારીખ ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યાંજલી સેવા સપ્તાહ ઉજવવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં સેવાવસ્તીમાં વિનામુલ્યે મેડીકલ કેમ્પ અને આરોગ્યલક્ષી સેવા અંગેના કાર્યક્રમો યોજવામાં આવશે.
આ સપ્તાહ દરમ્યાન વિવિધ સ્થાનો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણ અંગેની બનેલી પ્રેરણાદાયી ફિલ્મ ચલો જીતે હૈ બતાવવામાં આવશે. તે ઉપરાંત ૧૭ સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદી એપનું નવું વર્જન શરૂ થવાનું છે. ત્યારે સમગ્ર ગુજરાતના ભાજપા કાર્યકર્તાઓ તથા દેશપ્રેમી નાગરિકો આ એપ ડાઉનલોડ કરે અને તેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સીધા જ જોડાઇને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે તે માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે.