અમદાવાદઃ આઈઆઈએમ અમદાવાદના ફ્લેગશીપ પીજીપી પ્રોગ્રામ માટે ફાઇનલ પ્લેસમેન્ટમાં આ વખતે ઉલ્લેખનીય વધારો થયો છે. આઈઆઈએમ-એ ગ્રેડના મહત્તમ સ્થાનિક પગારમાં ૨૬ ટકા સુધીનો વધારો થયો છે. ૫૩ લાખ રૂપિયા પ્રતિવાર્ષિક ૨૦૧૭માં આંકડો હતો, જે હવે વધીને આ વર્ષે ૭૨ લાખ સુધી પહોંચ્યો છે.
એકંદરે આ વધારો ૮.૨ ટકા રહ્યો છે જે અગાઉ ૨૨.૫ લાખથી વધીને હવે ૨૪.૪ લાખ સુધી પહોંચ્યો છે. આવી જ રીતે એકંદરે સરેરાશ ઇન્ટરનેશનલ પેકેજમાં ફેરફારની સ્થિતિ જોવા મળી છે. બ્રિકવર્ક રેટિંગ દ્વારા જારી કરવામાં આવેલા પ્લેસમેન્ટના આંકડામાં કેટલીક વિગતો સપાટી ઉપર આવી છે. સમર અને ફાઇનલ પ્લેસમેન્ટમાં ધ્યાન આપનાર બ્રિકવર્ક દ્વારા આ મુજબના આંકડા જારી કરવામાં આવ્યા છે.
પીજીપી, પીજીપી-એફએબીએમના સમર અને ફાઇનલ પ્લેસમેન્ટના આંકડા પર નજર રાખવામાં આવી હતી. રિપોર્ટ મુજબ એસેન્ચર સ્ટ્રેટેજી દ્વારા વર્ષ ૨૦૧૮માં ટોપ ભરતી કરવામાં આવી છે. ૧૮ ઓફરો તેના દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ બીસીજી દ્વારા ૧૫ અને એમેઝોન દ્વારા ૧૪ ઓફર કરવામાં આવી છે. કુલ ૩૮૮ વિદ્યાર્થીઓએ ઓફર સ્વીકારી લીધી છે. ૧૦ વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટમાંથી ખસી ગયા હતા. સેક્ટરવાઇઝ કન્સલ્ટીંગ કંપનીઓ દ્વારા હાઈએસ્ટ ઓફર કરવામાં આવી હતી જેમાં ૧૧૯ ઓફરનો સમાવેશ થાય છે.
બેંકિંગ ફાઈનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સ દ્વારા ૫૪, એફએમજીસી દ્વારા ૩૯, ઓનલાઈન સર્વિસ દ્વારા ૩૭ ઓફર કરવામાં આવી હતી. માર્કેટિંગ અને સેલ્સ જનરલ મેનેજરોની પણ ઓફર થઇ હતી. આ વર્ષે ૧૮ ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટની સરખામણીમાં ૧૬ ફોરેન લોકેશન માટેની હતી જેમાં જર્મનીમાં ચાર અને હોંગકોંગમાં ત્રણ ઓફર હતી.