જમ્મુ કાશ્મીર : સોપોરેમાં ભીષણ અથડામણ, ત્રણ ત્રાસવાદીઓ ઠાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં ડીએસપી સહિત નવ પોલીસ જવાનો ઘાયલ થયા છે. બીજી બાજુ સમગ્ર બારામુલા જિલ્લામાં ઇન્ટરનેટ સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોને બારામુલાના સોપોરે વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ આજે સવારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારેબાજુથી ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ગાળા દરમિયાન આતંકવાદીઓની નજીક સુરક્ષા દળો પહોંચતા ગોળીબાર કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશે મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિત અંગે બાતમી મળી હતી. ત્યારબાદ સોપોરેના આરમપોરા વિસ્તારમાં ચિંકીપોરામાં ઘેરાબંધી કરવામાં આવી હતી.

છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, ત્રાસવાદીઓની સાથે અથડામણ શરૂ કરતા પહેલા સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળો ઉપર લઇ જવામાં આવ્યા હતા. અથડામણમાં બે ત્રાસવાદીઓ  માર્યા ગયા હતા. અથડામણના સ્થળે કેટલાક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકી બે અલી ઉર્ફ અથર અને જિયાઉર રહેમાન તરીકે થઇ છે. અન્ય એક ત્રાસવાદીની ઓળખ થઇ શકી નથી. અલી જેઈએમના મુખ્ય કમાન્ડર પૈકીના એક તરીકે હતો અને તે ૨૦૧૪થી સક્રિય હતો. પોલીસનું કહેવું છે કે, આ સંબંધમાં એક કેસ દાખલ કરીને તપાસ હા ધરવમાં આવી છે.

બુધવારે સવારે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ નજીક ત્રાસવાદીઓની એક ટીમે વાહનોની ચકાસણી દરમિયાન પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ અથડામણનો દોર શરૂ થયો હતો. જમમુ કાશ્મીર પોલીસની વન્ય ટુકડી ઝંઝર કોટલી નજીક નાકાબંધી કરીને વાહનોની ચકાસણી કરી રહી હતી ત્યારે વાહનોની લાઇનમાં રહેલા એક ટ્રકમાં બે ત્રાસવાદીઓએ પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. ફરાર થયેલા ત્રાસવાદીઓમાં બેથી ત્રણ સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનામાં હજુ સુધી કોઇને ઇજા થઇ નથી. છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ જારદારરીતે ચાલી રહ્યું છે જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર થઇ રહ્યા છે. આ વર્ષે સેંકડોની સંખ્યામાં આતંકવાદીઓ ફુંકાઈ ચુકયા છે અને ઓપરેશન હજુ જારી છે. સેના અને સુરક્ષા દળો સફળરીતે ત્રાસવાદીઓનો ખાત્મો બોલવી રહી છે.  આજે સવારે પણ બાતમીના આધાર પર ઓપરેશન હાથ ધરાયું હતું. જમ્મુ કાશ્મીરમાં સક્રિય હિઝબુલ, જૈશે મોહમ્મદ, લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓમાં હાલ ભારે ખળભળાટ મચેલો છે. કારણ કે તેમના મોટા લીડરો ઠાર થઇ ચુક્યા છે.

Share This Article