રાંચી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તાજેતરમાં જ પોતાની કેપ્ટનશીપ છોડવા અને વિરાટ કોહલીના હાથમાં બેટ આપવાના સંદર્ભમાં ખુલાસો કર્યો છે. ધોનીએ રાંચીના બિરસામુંડા એરપોર્ટ ઉપર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો દ્વારા આયોજિત એક મોટીવેશન કાર્યક્રમમાં ઘણી બધી વાત કરી હતી. ૩૭ વર્ષીય ધોનીએ કહ્યું હતું કે, તે કેપ્ટનશીપ છોડી દેવા માટે તૈયાર થયો હતો કારણ કે તે નવા કેપ્ટન વિરાટ કોહલીને ૨૦૧૯માં યોજાનાર આઈસીસી ક્રિકેટ વિશ્વકપ માટે પુરતો સમય આપવા માંગતો હતો.
ધોનીએ પોતાના કેપ્ટનશીપ છોડી દેવાના નિર્ણયને યોગ્ય સમયે લેવામાં આવેલા નિર્ણય તરીકે ગણાવ્યો હતો. ભારતને ૨૦૧૧માં વિશ્વકપ જીતાડી ચુકેલા ધોનીએ કહ્યું હતું કે, નવા કેપ્ટનને સમય આપ્યા વગર એક મજબૂત ટીમ ઉભી કરવી શક્ય નથી. તેને લાગે છે કે, તે યોગ્ય સમય ઉપર જ કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
મહેન્દ્રસિંહ ધોની હાલમાં માત્ર વનડે ક્રિકેટમાં જ રમી રહ્યો છે. ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો પણ નિર્ણય કર્યો હતો. ૨૦૧૭માં વનડે ક્રિકેટમાંથી કેપ્ટન તરીકે રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો હતો. ધોનીએ કેપ્ટન તરીકે રાજીનામુ કેમ આપ્યું તેને લઇને હંમેશાથી ચર્ચા રહી છે પરંતુ ધોની ઉપર કોઇપણ દબાણ ન હતું. ધોનીએ સ્વૈચ્છિક રીતે કેપ્ટન તરીકે રાજીનામુ આપ્યું હતું અને વિરાટ કોહલીને જવાબદારી સોંપી હતી. વિતેલા વર્ષોમાં એવી ચર્ચા પણ રહી છે કે, ધોની અને વિરાટ કોહલી વચ્ચે ખેંચતાણ રહી છે પરંતુ આ બંને ખેલાડીઓએ આવી કોઇ ખેંચતાણ હોવાનો વારંવાર ઇન્કાર કર્યો છે. ધોનીએ કેપ્ટનશીપ છોડવા માટેના કારણોનો ફરી એકવાર ખુલાસો કરીને નવી ચર્ચા જગાવી છે.