નવીદિલ્હી: રૂપિયામાં ઘટાડા, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાના દોર વચ્ચે આજે સરકારને મોટી રાહત મળી હતી. કારણ કે, ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૧૦ મહિનામાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. રિટેલ ફુગાવાના આંકડો ઘટીને ૩.૬૯ ટકા સુધી નીચે પહોંચી ગયો છે જે છેલ્લા ૧૦ મહિનામાં ઓછો દર છે. ગયા વર્ષની આ અવધિમાં રિટેલ ફુગાવાના આંકડો ૩.૨૮ ટકા હતો. આના કારણે ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં ખાદ્યાન્ન ફુગાવાનો દર ૧.૩૭ ટકા હતો જે ઓગસ્ટમાં ૦.૨૯ ટકા થઇ ગયો છે.
રિટેલ ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યા બાદ આરબીઆઈ પોતાની આગામી પોલિસી સમીક્ષાની બેઠકમાં રેટમાં વધારો કરી શકે છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા છેલ્લી સમીક્ષામાં મોંઘવારી દરનો અંદાજ નાણાંકીય વર્ષ ૧૯ માટે ૪.૦૮ ટકાથી ઘટાડીને ૪.૭ ટકા કરી દીધો હતો. એમપીસીની બેઠકમાં મોંઘવારીનો દર વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. આનુ કારણ એ હતું કે, ખરીફ પાકના લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો હતો.
ક્રૂડની કિંમતમાં વધારો થયો હતો. ડોલર સામે રૂપિયાની કિંમતમાં પણ ઘટાડો થઇ રહ્યો હતો. રિઝર્વ બેંકે આજ કારણસર બીજી વખત વ્યાજદરોમાં વધારો કર્યો હતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે, ચાર ટકાના મોંઘવારી દરમાં ટાર્ગેટને હાંસલ કરવા આ પગલું જરૂરી છે. જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટી જવા પાછળ કેટલાક કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. આના કારણે ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતો પણ ઘટી હતી. જુલાઈ મહિનામાં ફેક્ટ્રી આઉટપુટ ઘટીને ૬.૬ ટકા થઇ ગયો હતો. સીપીઆઈ આધારિત ફુગાવો જુલાઈ મહિનામાં ૪.૧૭ ટકા હતો.
ઓગસ્ટ ૨૦૧૭માં ૩.૮૮ ટકા હતો. ફળફળાદી અને શાકભાજી સહિત રસોડામાં ઉપયોગ કરવામાં આવતી ચીજવસ્તુઓની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આરબીઆઈ પાંચમી ઓક્ટોબરના દિવસે તેની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠક કરશે.