બેંગ્લોર: કર્ણાટકમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર ભાજપ ઉપર તેની પાર્ટીના સભ્યોને તોડવાનો આક્ષેપ કર્યો છે. આજે કોંગ્રેસ તરફથી ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ ગુંડુરાવે કહ્યું છે કે, ભાજપે ફરી એકવાર તેમના ધારાસભ્યોને પૈસા લઇને બળવો કરવા માટે કહી રહ્યા છે પરંતુ ભાજપના આ પ્રકારના પ્રયાસો સફળ રહેશે નહીં. આ ગાળા દરમિયાન ગુંડુરાવે દાવો કર્યો હતો કે, ભાજપના સાતથી આઠ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને જા જરૂર પડશે તો ભાજપથી બળવો પણ કરી શકે છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, ભાજપના લોકો વિચારી રહ્યા છે કે, તેઓ પૈસાની લાલચ આપીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડી દેશે પરંતુ આમા સફળતા મળશે નહીં.
ભાજપના ૭-૮ ધારાસભ્યો અમારા પણ સંપર્કમાં છે. ભાજપ ઉપર પણ દબાણ લાવવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદથી જ કોંગ્રેસે ભાજપ ઉપર ધારાસભ્યોની ખરીદી કરવાના પ્રયાસો કરવાનો આક્ષેપ કર્યો છે. આ ગાળા દરમિયાન પાર્ટીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, લઘુમતિવાળી ભાજપ કોંગ્રેસ અને જનતાદળ સેક્યુલરના અનેક ધારાસભ્યોને પણ તોડવાના પ્રયાસમાં છે. તેમને જુદા જુદા લાલચ આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભાજપે આ પ્રકારના આક્ષેપોને રદિયો આપીને કહ્યું છે કે, કોંગ્રેસની આંતરિક હાલત ખુબ જ કફોડી બનેલી છે.
કોંગ્રેસમાં ઘણા સભ્યો અસંતુષ્ટ છે અને આ લોકો છેડો ફાડવાની તૈયારીમાં છે. કોંગ્રેસમાં કોઇપણ સમયે બળવો થઇ શકે છે. ભાજપે રાજ્યમાં યેદીયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી હતી પરંતુ બહુમતિ પહેલા જ રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસે સરકાર બનાવી હતી.