જોધપુર: રાજસ્થાનના જોધપુરની જેલમાં સજા કાપી રહેલા બળાત્કારના અપરાધી આસારામે પોતાની સજા ઓછી કરવા માટે રાજ્યપાલ કલ્યાણસિંહની પાસે દયાની અરજી મોકલી છે. સગીરા સાથે બળાત્કારના મામલામાં આસારામ દોષિત છે અને હાલ સજા હેઠળ જેલમાં છે. ૨૫મી એપ્રિલના દિવસે જોધપુરની અદાલતે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આસારામે પાંચ વર્ષ પહેલા પોતાના આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
સજાને પડકાર ફેંકીને આસારામે બીજી જુલાઈના દિવસે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ હાલમાં આ અરજી ઉપર સુનાવણી થઇ શકી નથી. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને તાજેતરમાં જ આસારામની દયાની અરજી મળી છે જેને ગૃહમંત્રાલયની પાસે મોકલી દેવામાં આવી છે. વિસ્તૃત રિપોર્ટની માંગ કરવામાં આવી છે. પોતાની દયાની અરજીમાં આસારામે આજીવન કારાવાસની સજાને કઠોર દંડ તરીકે ગણાવીને આને ઓછી કરવાની માંગ કરી છે. પોતાની વયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
જોધપુર સેન્ટ્રલ જેલ વિભાગના અધિકારીઓએ આ અરજીને આગળ વધારી છે. તેના ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી છે. જોધપુર સેન્ટ્રલ જેલના અધિકારી કૈલાશ ત્રિવેદીનું કહેવું છે કે, અમને આસારામની દયાની અરજી મળી છે જેના ઉપર એક રિપોર્ટ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને આપવાની જરૂર છે. ૧૬ વર્ષની પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, આસારામે પાંચમી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે જોધપુરના મનાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં તેને બોલાવી હતી અને તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનેલી યુવતી શાહજહાંપુરથી સંબંધ ધરાવતી હતી. આસારામના મધ્યપ્રદેશના આશ્રમમાં આ બાળકી ભણતી હતી. આસારામ છેલ્લા ઘણા સમયથી કાયદાકીય સકંજાનો સામનો કરી રહ્યા છે.