આવો જાણીએ કે કયા-કયા મહત્વપૂર્ણ કાયદાઓ ૨૦૧૭ના વર્ષમાં બનાવવામાં આવ્યા. ભારતીય નાગરિક તરીકે આપને આ તમામ કાયદાઓ વિશે જાણવું જરૂરી છે. દેશની મોદી સરકારે ઘણાં જૂના કાયદાઓ હટાવ્યા છે તો કેટલાંક મહત્વપૂર્ણ કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે.
તો આવો જાણીયે કે ૨૦૧૭ના વર્ષ દરમિયાન બનાવાયેલા કેટલાંક મહત્વપૂર્ણ કાયદાઓ વિશેઃ
૧. રેરા – (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ)
ઘણાં વર્ષોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં યોજનાઓની સોંપણીમાં વિલંબ, અપૂર્ણ યોજનાઓ, નિર્માણમાં વધતો ખર્ચ, વગેરે અનેક સમસ્યાઓ ફેલાયેલી હતી. પરંતુ હવે રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ) કાયદો આવવાથી આ સમસ્યાઓનું સમાધાન મળવાની સંભાવનાઓ વધી ગઇ છે. આ કાયદો હાઉસિંગ અને વ્યાવસાયિક બન્નેના આયોજનોના નિયંત્રણ માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદા પ્રમાણે દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે પોતાની રેગ્યુલેટરી ઓથોરીટી બનાવવાની રહેશે જે કાયદા મુજબ નિયમ અને કાયદાઓ બનાવશે. વર્ષ ૨૦૧૬માં સંસદમાં રિયલ એસ્ટેટ અધિનિયમ, ૨૦૧૬ એટલેકે રેરા પાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દેશમાં રેરા કાનૂનની તમામ ૯૨ ધારાઓ ૧ મે, ૨૦૧૭થી લાગૂ કરવામાં આવી. આ નવા એક્ટ મુજબ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ટાઇમલાઇન પણ જણાવવી પડશે.
૨. જીએસટી – (ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ)
ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (જીએસટી) ૧ જુલાઇ, ૨૦૧૭થી લાગૂ કરવામાં આવ્યો. જીએસટી કાઉંસિલે ૧૨૦૦થી વધુ વસ્તુઓ અને સેવાઓ માટે ટેક્સના દર નક્કી કરવામાં આ છે. વિવિધ પ્રકારની ટેક્સ શ્રેણી બનાવવામાં આવી છે જેમાં ૫ ટકા થી ૨૮ ટકા વચ્ચેની છે. જીએસટી લાગૂ થયા પછી સેંટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યૂટી, સ્પેશિયલ એડિશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ, વેટ, સેલ્સ ટેક્સ, સેંટ્રલ ટેક્સ, મનોરંજન ટેક્સ, લક્ઝરી ટેક્સ જેવા વિવિધ ટેક્સ ખતમ થઇ ગયા છે. જીએસટી ને આઝાદી પછીનો ટેક્સની બાબતમાં લેવાયેલ મહત્વપૂર્ણ પગલુ ગણવામાં આવે છે.
૩.આઇઆઇઆઇટી એક્ટ ૨૦૧૭
માનવ સંસાધન વિકાસ પ્રધાન દ્વારા ૨૭ માર્ચ, ૨૦૧૭માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ પ્રમાણે તકનીકી ભારતીય સંસ્થાઓ માટે રાષ્ટ્રીય મહત્વ સંદર્ભ પ્રદાન કરે છે. તકનીકી ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને વિસ્તૃત જાણકારીના વિકાસના ઉદ્દેશ સાથે પાસ કરવામાં આવ્યો છે.
૪. કંપની એક્ટ ૨૦૧૭
વર્ષ ૨૦૧૩માં બનાવાયેલા કંપની એક્ટની જટિલતાને સરળ બનાવવા માટે તેને ૨૭ જુલાઇ, ૨૦૧૭માં પાસ કરવામાં આવ્યો. કોર્પોરેટ ગર્વનંસને ઉત્તમ અને સરળ વ્યાવસાયિક ઓપરેટિંગ બનાવવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતુ.
૫. ત્રણ તલાક
હાલમાં વર્ષના અંતમાં જે કાયાદો લાગૂ કરવામાં આવ્યો તે છે ત્રણ તલાક (ટ્રીપલ તલાક). મુસ્લિમ મહિલા (વિવાહ અધિકારોના સંરક્ષણ) બિલ, ૨૦૧૭ ત્રણ તલાક કે મૌખિક તલાકને અપરાધી જાહેર કરે છે અને આ કાયદા હેઠળ ત્રણ તલાકની પ્રથાનો ઉપયોગ કરી કાયદાનો ભંગ કરવા બદલ ત્રણ વર્ષની જેલ અને દંડ થઇ શકે છે.
૨૦૧૭માં આ પાંચ લાગૂ કરાયેલા કાયદાઓ ઉપરાંત બીજા અન્ય કાયદાઓ પણ લાગૂ કરવામાં આવ્યા છે, પણ આ ઉપર જણાવેલ કાયદાઓ મહત્વપૂર્ણ છે.