અમદાવાદ: શહેર સહતિ રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનાર બીટકોઈન કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે મહારાષ્ટ્રના ધૂલિયામાં અમ્લનેરથી ધરપકડ કરી લીધા બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા આજે આરોપી નલિન કોટડિયાને અત્રેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે સમગ્ર કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ આરોપી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજીબાજુ, અત્રેની સેશન્સ કોર્ટે આજે બીટકોઇન કેસના મહત્વના આરોપી એવા કિરીટ પાલડિયાની રેગ્યુલર જામીન અરજી પણ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
સીઆઇડી ક્રાઇમ દ્વારા આજે ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી નલિન કોટડિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના દસ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, બીટકોઇન કેસમાં નલિન કોટડિયાએ રાજકોટમાં ખરીદેલી જમીનના રૂ.૨૫ લાખ આંગડિયા મારફતે નાનકુ આહિરને મોકલાવ્યા હતાં. આ રૂપિયા સીઆઇડી ક્રાઇમે રાજકોટમાંથી નાનકુ પાસેથી કબ્જે કર્યા હતા અને આહિરને ડિટેઇન કરી પૂછપરછ કરી હતી. આ કેસમાં રિમાન્ડ પર રહેલા કિરીટ પાલડિયાની તપાસમાં શૈલેષ પાસેથી પડાવેલા બીટકોઇનમાંથી પોલીસ અધિકારીઓ સહિત નલિન કોટડિયાને પણ રૂપિયા ચૂકવાયા હતાં.
કોટડિયા પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ સમગ્ર ગુનાહિત કાવતરામાં ભજવેલ ભૂમિકા બદલ નલિન કોટડિયાને રૂ.૬૬ લાખ મળવાના હતા, જે પૈકી કોટડિયાને રૂ.૩૫ લાખ ચૂકવાયા છે, તે પૈકીના રૂ.૨૫ લાખ તપાસનીશ એજન્સીએ રિકવર કર્યા છે અને બાકીની રકમ હજુ રિકવર કરવાની બાકી છે. ગુનો આચર્યા બાદ આરોપી છેલ્લા ઘણા સમયથી જુદા જુદા સ્થળોએ નાસતા ફરતા રહ્યા છે, તેથી તે અંગેની તપાસ કરવાની છે. આરોપીને કોણે કોણે મદદગારી કરી અને કોણે આશરો આપ્યો તે સહિતની વિગતો પણ જાણવાની છે.
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વિશે પણ આરોપી નલિન કોટડિયા પાસેથી માહિતી કઢાવવાની છે ઉપરાંત, બીટકોઇન કૌભાંડની ખૂટતી કડીઓ વિશેની પણ જાણકારી પ્રાપ્ત કરવાની છે. આ સંજાગોમાં કોર્ટે આરોપીના પૂરતા દિવસના રિમાન્ડ ન્યાયના હિતમાં મંજૂર કરવા જાઇએ. સીઆઇડી ક્રાઇમની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે નલિન કોટડિયાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજીબાજુ, આજે બીટકોઇન કૌભાંડના મહત્વના આરોપી એવા કિરીટ પાલડિયાના રેગ્યુલર જામીન કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધા હતા. કોર્ટે પાલડિયાને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.