નવીદિલ્હી: ભાજપની રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં યોજાયેલી કારોબારીની બેઠકના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું. મોદીએ આ ગાળા દરમિયાન વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પાર્ટી ખુબ મજબૂતી સાથે આગળ વધી રહી છે. મોદીએ મહાગઠબંધન ઉપર તીવ્ર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, મહાગઠબંધન પાસે કોઇ નેતૃત્વ નથી. નીતિ નથી. નીયત પણ નથી. પાર્ટીના હોદ્દેદારોને સંબોધતા મોદીએ પાર્ટી માટે નવો નારો અજય ભારત, અટલ ભાજપનો આપ્યો હતો. બીજી તરફ ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ૨૦૧૯માં ભાજપ ફરીવાર જીત મેળવશે.આગામી ૫૦ વર્ષ સુધી તેને કોઇપણ હરાવવાની સ્થિતિમાં નથી.
કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદને સંબોધતા તમામ મુદ્દા ઉપર વાત કરી હતી. વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણોના મુખ્ય મુદ્દા ઉપર વાત કરી હતી. વડાપ્રધાને મહાગઠબંધનને સ્વાર્થના ગઠબંધન તરીકે ગણાવીને કહ્યું હતું કે, મહાગઠબંધનનો મતલબ છે કે નેતૃત્વ અંગે કોઇ માહિતી નથી. નિયત ભ્રષ્ટાચારી રહેલી છે. તેમની પાસે કોઇ નીતિ નથી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આજે મહાગઠબંધનની ચર્ચા છે. જે લોકો એકબીજાને જાઇ શકવાની સ્થિતિમાં નથી તે લોકો એકબીજાની સાથે આવી રહ્યા છે. મજબૂરીથી આ લોકો સાથે આવી રહ્યા છે. આજે સાથે આવવા માટે પક્ષો મજબૂર થયા છે. આ અમારી જીત છે, અમારી સફળતા છે. કારણ કે, આ લોકો કોઇપણ સંયુક્ત વિચારધારા વગર સાથે આવી રહ્યા છે.
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વને કોઇપણ સ્વીકારવા માટે તૈયાર નથી. નાના પક્ષો પણ કોંગ્રેસના નેતૃત્વને સ્વીકાર કરવા માટે તૈયાર નથી. કોઇ લોકો તેને બોજ તરીકે ગણી રહ્યા છે. કોંગ્રેસની અંદર પણ નેતૃત્વને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, મોદીએ ગુજરાતનો દાખલો આપતા કહ્યું હતું કે, ૩૧ વર્ષથી અમારી સરકાર રહેલી છે. અમને સત્તાનો કોઇ અહંકાર નથી. મોદીને ટાંકીને પ્રસાદે કહ્યું હતું કે, ૩૧ વર્ષથી અમે ગુજરાતમાં શાસનમાં છે. ગાંધીજી અને પટેલની જમીન છે. આજ કારણસર અમે સત્તામાં અહંકાર દર્શાવી રહ્યા નથી. અમે સત્તાને ખુરશી તરીકે જાઈ રહ્યા નથી. પ્રજા માટે કામ કરવાના સાધન તરીકે આને ગણી રહ્યા છીએ. રવિશંકરે કહ્યું હતું કે, અમને કોઇપણ જગ્યાએ પડકાર દેખાઈ રહ્યો નથી.
સ્વાભાવિકરીતે આ બાબત ૨૦૧૯ના સંદર્ભમાં કહેવામાં આવી છે. લોકશાહીમાં વિપક્ષ જરૂરી છે. તેમના પ્રશ્ન લોકશાહીની મજબૂતી છે પરંતુ પીડાની બાબત એ છે કે, જે લોકો સત્તામાં ફેલ થયા છે તે યોગ્યરીતે વાત કરી રહ્યા નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો પરંતુ ગરીબી દૂર થઇ શકી નથી. સુધારાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. મોદીએ પોતાના ભાષણમાં ૨૦૧૯માં ફરીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમે વિજયના વિશ્વાસ સાથે ચાલી રહ્યા છીએ. આ વિશ્વાસનો આધાર સવા સો કરોડ દેશવાસીઓનો પ્રેમ છે. એક એક પોલિંગ બૂથને જીતવામાં આવશે. કાર્યકરોને આમા સામેલ થવાની જરૂર છે. બૂથ અમારી ચોકી તરીકે છે. સંગઠન અને સરકારના કિલ્લા તરીકે છે. બૂથ મજબૂત રહેવા જાઇએ.
