લખનૌઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થલાઈવા તરીકે ઓળખાતા અને દક્ષિણ ભારતથી લઈને હિન્દી ફિલ્મોમાં ધુમ મચાવી ચુકેલા અભિનેતા રજનકાંતની બોલબાલા હજુ પણ અકબંધ રહેલી છે. સિગારેટ સળગાવવાનો અંદાજ, ચશ્મા પહેરવાનો અંદાજ અને અન્ય તમામ પ્રકારની રજનીકાંતની અદા ઉપર ચાહકો હજુ પણ ફિદા રહેલા છે. અભિનયનની સાથે એકશનથી નવા રેકોર્ડ સર્જનાર અભિનેતા રજનીકાંત લખનૌમાં પહોંચ્યા બાદ તેમની એક ઝલક મેળવવા માટે પડાપડી થઈ હતી. પ્રથમ વખત નવાબોના શહેરમાં શુટીંગ માટે પહોંચેલા રજનીકાંત હવે એક મહિના સુધી લખનૌના મહેમાન તરીકે રહેનાર છે. સનટીવી પ્રોડકશનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મમાં રજનીકાંત કામ કરી રહ્યા છે.
આ ફિલ્મનું નામ થલાઈવા ૧૬૫ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન કાર્તિક સુબ્બરાજ કરી રહ્યા છે. એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી હતી. રજનીકાંત સવારે ૧૦.૩૦ વાગે પહોંચ્યા બાદ પડાપડી થઈ હતી. ચેન્નાઈમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. રજનીકાંતની સાથે ૫૦ બાઉન્સરોની ટીમ પહોંચી છે. આ ફિલ્મનું શુટીંગ ગઇકાલે શરૂ થયું હતું. ૩૦૦ કરોડના જંગી ખર્ચે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. જેથી લખનૌમાં શુટીંગને લઈને પણ ઉત્સુકતા છે.
રજનીકાંત ઉપરાંત સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતી અને નવાઝુદ્દીન પણ આ ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મનું શુટીંગ વારાણસી અને સોનભદ્રમાં પણ કરાશે. ઉત્તરપ્રદેશના ૪૩ કલાકારોને પણ આ ફિલ્મમાં સામેલ કરાયા છે. સમગ્ર ઉત્તરપ્રદેશમાંથી પાંચ હજાર કલાકારોને સામેલ કરાયા છે. નવાઝુદ્દીન કોલ માફિયા સીંગાના રોલમાં છે. ફિલ્મના કેટલાક સીન સોનભદ્રમાં થશે. જ્યાં રજનીકાંત અને નવાઝુદ્દીન વચ્ચે ફાઈટ સીન રહેશે. નવાઝના જમણા હાથ તરીકે લખનૌના બોબી રહેશે. ફિલ્મનું શુટીંગ દોઢ મહિના સુધી ચાલશે.