નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલની કિંતમાં વધારાનો દોર જારી રહ્યો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રથમ વખત ૮૦ના આંકડાને પાર કરી ગઈ હતી. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ કિંમત વધીને પ્રતિ લીટર ૮૦.૩૮ થઈ ગઈ હતી. બીજી બાજુ ડિઝલની કિંમત પણ સતત વધી રહી છે. આજે ડિઝલની કિંમતમાં ૪૪ પૈસાનો વધારો કરાયો હતો. આની સાથે જ ડિઝલની કિંમત વધીને પ્રતિ લીટર ૭૨.૫૧ થઈ હતી.
બીજી બાજુ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પેટ્રોલની કિંમત ૩૮ પૈસા વધીને ૮૭.૭૭ રૂપિયા પ્રતિ લીટર થઈ હતી. જ્યારે ડિઝલની કિંમત ૪૭ પૈસા વધીને ૭૬.૯૮ રૂપિયા થઈ હતી. કોલકાતામાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ક્રમશઃ ૩૯ અને ૪૪ પૈસાનો વધારો થતા ભાવ ૮૩.૨૭ અને ૭૫.૩૬ રૂપિયા થઈ ગયા હતા. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આજે ક્રમશઃ ૮૩.૫૪ અને ૭૬.૬૪ રૂપિયા પ્રતિ લીટર થયા હતા.
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ચેન્નાઈમાં સૌથી વધુ વધારો થયો હતો. અહીં પેટ્રોલમાં ૪૧ પૈસા અને ડિઝલમાં ૪૭ પૈસાનો વધારો થયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો હતો જેથી બંનેના ભાવ ઓલટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચી ગયા છે. પાંચમી સપ્ટેમ્બરના દિવસે ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. ફ્યુઅલની કિંમતમાં નવેસરનો વધારો હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં તીવ્ર વધારાના સંબંધમાં છે.
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો એવા સમય પર કરવામાં આવી રહ્યો છે, જ્યારે લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં આની સીધી અસર થઇ શકે છે. ભાજપ સરકાર આને લઇને સાવધાન રહે તે જરૂરી છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે. સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે.
આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં વધારો થવા માટે આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો થઇ રહ્યો છે પેટ્રોલિયમ કંપનીઓને વધારે નાણાં ખર્ચ કરીને ઓઇલ ખરીદવાની ફરજ પડી રહી છે.
રૂપિયામાં ઘટાડાના પરિણામ સ્વરુપે તેલ કંપનીઓને ક્રૂડ માટે ડોલરમાં ચુકવણી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડી રહ્યા છે. છેલ્લા એક પખવાડિયામાં ક્રૂડની કિંમતમાં સાત ડોલર પ્રતિબેરલનો વધારો થયો છે. ઇરાન ઉપર અમેરિકી પ્રતિબંધના પરિણામ સ્વરુપે આની સીધી અસર થઇ છે. ઇરાનની તેલ નિકાસ ઘટી છે જેના પરિણામ સ્વરુપે ઉછાળો આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સેસ લાગૂ કરે છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે કોઇ સંકેત આપ્યો નથી. સરકારનું કહેવું છે કે, રેવન્યુ કલેક્શનમાં કોઇપણ પ્રકારના ગાબડા પડે તેવા પગલા લેવાથી વધારે મુશ્કેલી થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર નક્કરપણે માને છે કે, વર્તમાન ખાતાકીય ખાદ ટાર્ગેટ કરતા ઉપર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરાશે તો વધારે મુશ્કેલી થઇ શકે છે. દિલ્હીમાં ફ્યુઅલની કિંમતો તમામ મેટ્રો કરતા સૌથી સસ્તી છે. વર્તમાનમાં પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં લેવીનો આંકડો ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ ઉપર લેવીનો આંકડો પ્રતિલીટર ૧૫.૩૩નો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. તેલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ ટિકા થઇ રહી છે.